આરોપી ક્રાઈમ બ્રાંચના શરણે આવતા ધરપકડ કરાઈ હતી

આરોપી એએસઆઈ વિરૂધ્ધ સીસીટીવી ફૂટેજ સહિતના સજ્જડ પુરાવા પોલીસને મળ્યા

રાજકોટ: ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતા અને પાડોશમાં રહેતા મિત્રને થયેલી માથાકૂટને કારણે માલવીયાનગર પોલીસ આવતા તેને સમજાવટ કરવા ગયેલા હમીર ઉર્ફે ગોપાલ દેવજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૪)ની માલવીયાનગરના એએસઆઈ અશ્વીન જેઠાભાઈ કાનગડ (ઉ.વ.૩૮, રહે. વર્ધમાનનગર, ઘંટેશ્વર એસઆરપી ગુ્રપ-૧૩ પાસે)એ મારકૂટ કરી, હત્યા નિપજાવ્યાની ફરિયાદ માલવીયાનગર પોલીસમાં નોંધાઈ હતી. 

તે સાથે જ આરોપી એએસઆઈ ભાગી ગયો હતો. તેને માલવીયાનગર પોલીસ શોધતી હતી પરંતુ હાથમાં આવતો ન હતો. ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની ટીમે જુદી-જુદી રીત અપનાવતા આખરે આરોપી એએસઆઈ  ગઈકાલે ક્રાઈમ બ્રાંચના શરણે આવતાં તેને તપાસ કરનાર એસીપીને સોંપી દેવાયો હતો. આજે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર મેળવી પોલીસે તપાસ આગળ ધપાવી છે. 

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપી એએસઆઈએ મારકૂટ કર્યાના પુરાવારૂપે  સીસીટીવી ફુટેજ મળ્યા છે. આરોપી એએસઆઈના પિતા પણ પોલીસમાં હતા. એએસઆઈ બની નિવૃત થયા હતા. 

ઉલ્લેખનીય છે કે હમીરભાઈ ઉર્ફે ગોપાલના મોતને કારણે તેના પરિવારજનો અને દલિત સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. તત્કાળ આરોપીની ધરપકડની માગણી સાથે દલિત સમાજે લાશ સ્વીકારવાનો  ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં સિવીલ હોસ્પિટલ ચોકમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રેકડીમાં બરફની પાટો ઉપર લાશ રાખી લઈ આવ્યા હતા. જેને કારણે વાતાવરણ તંગ થતાં પોલીસના ધાડા ઉતરી પડયા હતા. તે પહેલા નાના-મોટા છમકલા પણ થયા હતા. 

આખરે ઉચ્ચ અધિકારીઓએ આરોપી એએસઆઈની બને તેટલું ઝડપથી ધરપકડની ખાતરી આપતાં લાશ સ્વીકારાઈ હતી.  માલવીયાનગર પોલીસ ઉપર ઝડપથી આરોપીને પકડવાનું દબાણ ઉભુ થયું હતું. જેને કારણે તેનો સ્ટાફ પ્રયાસો પણ કરતો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આખરે ક્રાઈમ બ્રાંચે પોતાની યુક્તિઓ અજમાવતા આરોપી એએસઆઈ શરણે આવ્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *