– ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું તેમા નોંધ્યું છે કે સહી
જેન્યુઇન નથી : સહીઓ બોગસ છે અથવા તો સોગંદનામું ખોટું છે, બંને
ફોજદારી ગુના છે
સુરત
સુરત
લોકસભા બેઠક પર ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન હાઈ વાલ્ટેજ ડ્રામા હજુ પૂર્ણ થયો નથી.
ઉમેદવારી ફોર્મમાં ખોટી સહી કરીને ગુનાહિત કૃત્ય થયાનું ચૂંટણી તંત્ર એટલે કે કલેકટર
તંત્રએ માની લીધું છે તેથી હવે આવું ગુનાઇત કૃત્ય કરનારાઓ સામે ફોજદારી ફરિયાદ કરવાની
ફરજ છે એવી રજૂઆત આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટરને કરવામાં આવતા રાજકીય માહોલ
ગરમાયો છે.
આજે આમ
આદમી પાર્ટી દ્વારા સુરત જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેકટર ડો.સૌરભ પારધીને
આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી. તેમાં જણાવ્યું છે કે, કોંગ્રેસના ઉમેદવારનું
ફોર્મ રદ કરતી વખતે હુકમમાં નોંધવામાં આવ્યું છે કે, ઉમેદવારી
પત્રોમાં દરખાસ્ત મુકનારાઓ દ્વારા કરવામાં આવેલી સહીઓ તેમજ અન્ય પુરાવાઓ ધ્યાને
લઈને, સંક્ષિપ્ત તપાસ આધારે દરખાસ્ત કરનારાઓની સહીઓ જેન્યુઈન
જણાતી નથી. એવા નિષ્કર્ષ અને નિર્ણય ઉપર આવી, સહીઓ બોગસ છે
એવું માનીને ઉમેદવારનું ફોર્મ અમાન્ય (રીજેક્ટ) કરાયું છે.
જેથી
કોંગ્રેસના નિલેશ કુંભાણીના ફોર્મમાં દરખાસ્ત કરનારાની સહી બોગસ/ખોટી છે અથવા
દરખાસ્ત કરનારાઓ દ્વારા પોતાની સહી નથી તેવું ખોટું સોગંદનામું કરીને લોકશાહી
વ્યવસ્થાની મુશ્કરી કરવામાં આવી છે. આ બંને પોલીસ અધિકારીના ગુના છે. અને તે
ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી દરમિયાન બન્યા છે. અને
ઉમેદવારીની પ્રક્રિયા દરમિયાન ખોટી સહી કરીને કોઇ ગુનાઇત કૃત્ય થયાનું આપે (ચૂંટણી
અધિકારી-કલેકટર) માની લીધું છે. ત્યારે એ ગુનાહિત કૃત્યની ફોજદારી ફરીયાદ કરવી તે
આપની પ્રાથમિક નૈતિક, કાયદાકીય અને બંધારણીય ફરજ છે. આ રજૂઆતો સાથે ગુનેગારો સામે પોલીસ ફરિયાદ
દાખલ કરવા અરજ કરવામાં આવી હતી.
આ ગુનામાં
ભારતીય દંડ સંહિતાની કલમો મુજબ બેથી સાત વર્ષની સજા થઇ શકે છે
જો
ઉમેદવારના ઉમેદવારી ફોર્મમાં દરખાસ્ત કરનારની ખોટી/બોગસ સહીઓ કરવામાં આવેલ હોય તો
ભારતીય દંડ સંહિતાની કલમ-૪૬૪,
૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) મુજબ ગુનો બને છે. જો દરખાસ્ત કરનારાઓ દ્વારા અમારી સહી નથી તે
અંગેનું ખોટું સોગંદનામું કરવામાં આવ્યું હોય તો ભારતીય દંડ સંહિતાની કલમ-૧૯૧,
૧૯૨, ૧૯૩, ૧૯૬, ૧૯૯, ૨૦૦, મુજબ ગુનો બને છે. આ
કલમો હેઠળ બે થી સાત વર્ષ સુધીની સજાની જોગવાઇ છે.
જિલ્લા
સેવાસદનમાં સતત ચોથા દિવસે કિલ્લેબંધી
અઠવા લાઈન્સ
જિલ્લા સેવાસદન ખાતે આજે વાતાવરણ પૂર્વવત થઈ જશે તેવું લાગતું હતું. પરંતુ આજે આમ
આદમી પાર્ટી આવેદનપત્ર આપનાર હોવાથી ફરી પાછી કિલ્લેબંધી કરવામાં આવી હતી. ચુસ્ત
પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પાંચમા માળે આવેલી જિલ્લા કલેક્ટરની ઓફિસમાં
કોઈને એન્ટ્રી આપવામાં આવી ન હતી.