– તબીબોની મહેનતમાં 10 વર્ષની મહેકના મનોબળે ઓક્ષિજન રૂપી પ્રાણ પુર્યા
– જી.કે.જનરલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંતોએ ગુલિયન બાર સિન્ડ્રોમ રોગને નાથવામાં મળી સફળતા
ભુજ : રોગ પ્રતિકારક શરીરમાં રક્ષકની ભૂમિકા ભજવે છે પણ જો એ જ શક્તિ રક્ષકને બદલે ભક્ષક બની વિપરીત કામ કરે તો મુશ્કેલી ઊભી કરે છે અને સમગ્ર બોડીનું સંચાલન કરતા ચેતાતંત્ર ઉપર જ હુમલો કરે છે પરિણામે તમામ માંસપેશીઓને એટલી કમજોર કરે છે કે માનવી હલન ચલન તો ઠીક તેનું શ્વસનતંત્ર પણ કમજોર થઈ જાય છે.જેને મેડિકલ ભાષામાં ગુલિયન બાર સિન્ડ્રોમ કહેવાય છે.
આવો જ એક ૧૦ વર્ષની ગાંધીધામની દીકરીનો કેસ જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં આવ્યો અને બાળરોગ વિભાગની ટીમે એક પખવાડિયામાં દર્દીને પુનઃ યથાવત કરી દીધી. જી.કે.ના બાળરોગ વિભાગના હેડ ડો.રેખાબેન થડાની અને ડો. યશ્વી દતાણીએ કહ્યું કે,ગાંધીધામની મહેક દુધાણીને આવી અસર થતાં અત્રે રીફર કરવામાં આવી ત્યારે તેને સખત નબળાઈ હતી. શરીર સદંતર ઢીલું પડી ગયું હતું.હલન ચલન કરી શકતી નહોતી. પેરાલિસિસ જેવી હાલત હતી. મહેકને દાખલ કરી તબીબોની ટીમે માંસપેશીઓને પુનઃ કાર્યન્વિત કરવા ઈન્ટ્રાવિનસ ગ્લોબબ્યુલિન એકના રૂ. ૧૮ હજારની કિંમતના એવા ૧૪ શોટ આપવાનું નક્કી કર્યું. ધીમે ધીમે દર્દીને રાહત થવા લાગી.સામાન્ય રીતે આવા કેસમાં લાંબો સમય લાગતો હોય છે પરંતુ મહેકનું મનોબળ એટલું પાવરફુલ હતું કે ૧૫ દિવસમાં હાલતી ચાલતી થઈ ગઈ.