Lok Sabha Elections 2024 | સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારનું ફોર્મ રદ્દ થયાં બાદ હવે સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે 9 અપક્ષ કે અન્ય પક્ષના ઉમેદવાર રહે છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે આ ઉમેદવારો ફોર્મ ખેંચી લે તો બિનહરીફ જાહેર થાય અને સુરત બેઠક પર ચુંટણી ન થાય તેવી અટકળો ચાલી રહી છે. આવી અટકળો સાથે સાથે બે દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની 25 બેઠકો બહુમતીથી જીતીશું તેવી એક ટિપ્પણી કરી હતી તે સુરતના રાજકારણમાં હોટ ટોપિક બની ગઈ છે.
બે દિવસ પહેલાં ગુજરાતમાં ઉમેદવારી પત્રક ભરવા માટે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો તેમાં તેઓએ ગુજરાતની 25માંથી 25 બેઠક વધુ બહુમતીથી જીતીશું તેવો દાવો કર્યો હતો. જોકે, ગુજરાતની 26 બેઠક છે અને અમિત શાહ 25 બેઠક માટે બોલ્યા હતા ત્યારે કઈ એક બેઠક તેઓ ભૂલી ગયાં કે એક બેઠક ભાજપ હારશે તેવી ટીપ્પણીઓનો મારો સોશ્યલ મિડિયામાં શરૂ થઈ ગયો હતો. જોકે, આજે સુરતમાં રાજકીય ડ્રામા થયો હતો અને કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવારનું ફોર્મ રદ્દ થયાં બાદ હવે અન્ય પક્ષો કે અપક્ષ ઉમેદવારી પાછી ખેંચે તો સુરત બેઠક પર ચૂંટણી નહી થાય તેવી અટકળો તેજ બની ગઈ છે. તેથી સુરતના રાજકારણમાં એવી ચર્ચા થઈ રહી છે કે ગૃહ મંત્રી ભુલથી 25 બેઠક પર વધુ બહુમતીથી જીતીશું તેવો દાવો કર્યો હતો તે ભુલથી નહી પરંતુ પહેલેથી સુરતમાં ચૂંટણી ન થાય તેવું લાગતા તેઓએ ટિપ્પણી કરી હોવાની ચર્ચા જોરશોરમાં થઈ રહી છે.