Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની જીત થઈ છે. સુરતમાં બે દિવસ ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આજે લોકસભામાં ભાજપે પહેલી જીત નોંધાવી છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને ભાજપે વાંધા અરજી દાખલ કરી હતી. ત્યારબાદ નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. સુરતમાં લોકસભા બેઠક પર કોંગ્રેસના લોકસભા ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 9 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં અપક્ષ અને અન્ય પાર્ટીના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેમાંના એક બસપા ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પણ ફોર્મ પરત ખેંચ્યું હતું. જેને લઈને સુરત બેઠક પર ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે. નોંધનીય છે કે, ગુજરાતની 26 બેઠકમાંથી હવે 25 બેઠક પર જ ચૂંટણી યોજાશે. 

સુરત લોકસભા દેશની પહેલી બિનહરીફ બેઠક બની

સુરતમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. બસપા સહિતના તમામ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. લોકસભામાં ભાજપની પહેલી જીત થઈ છે. આ સાથે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે. આમ, ભાજપે મોટું ઓપરેશન પાર પાડીને ઈતિહાસ રચ્યો છે. જ્યારબાદ ભાજપના નેતાઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, પૂનમબેન માડમ અને કિરીટ પરમારે શુભેચ્છા પાઠવી છે. તો કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ કહ્યું કે, ‘કોંગ્રેસની ભૂલનું આ પરિણામ છે.’ તો પરેશ ધાનાણીએ કહ્યું કે, સુરતની પહેલી ઘટના નથી અને છેલ્લી પણ નથી.

વડાપ્રધાન મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું : સી.આર.પાટીલ

સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થવા પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું.

મુકેશ દલાલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા પાઠવી

મુકેશ દલાલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, ‘સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભાજપના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ‘અબકીબાર ચારસો પાર’નો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે.’

દેશનું પહેલું કમળ વડાપ્રધાનને અર્પણ કરું છું : મુકેશ દલાલ

તો હવે સુરત બેઠકના વિજેતા ઉમેદવાર મુકેશ દલાલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે, ‘ગુજરાતમાં પહેલું કમળ ખીલ્યું છે. વડાપ્રધાન અને તમામ નેતાઓનો આભાર વ્યક્ત કરું છું. આ વખતે 400 પારનો લક્ષ્યાંક પૂર્ણ થશે. દેશનું પહેલું કમળ વડાપ્રધાનને અર્પણ કરું છું.’

ચૂંટણી પંચના અધિકારીઓ અમારી વાત સાંભળતા ન હતા : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

સુરતની ઘટના પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, ‘ચૂંટણી પંચ મૌન ધારણ કરીને આંખ આડા કાન કરી રહ્યા છે તે દુઃખની બાબત છે. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ચૂંટણી પંચના સ્થાનિક ઓફિસરે ફોર્મ માટે ઉમેદવારને 24 કલાકનો સમય આપવો જોઈએ. પરંતુ અમારા ઉમેદવારોને માત્ર બે કલાકનો સમય આપ્યો હતો. ચૂંટણી પંચના કાયદા જોગવાઈ મુજબ, ઓછામાં ઓછો 24 કલાકનો સમય આપવો જોઈએ. જેને લઈને તાત્કાલિક અમારે ચૂંટણી પંચમાં જવું પડ્યું. ચૂંટણી પંચના અધિકારીઓ અમારી વાત સાંભળવા તૈયાર ન હતા. છેલ્લે સુધી ફોર્મ રદ કરવા માટે તમામ કારનામા થયા હતા પરંતુ ભાવનગરમાં સફળતા ન મળી. ભાજપે 14 જેટલા ફોર્મમાં જુદા જુદા વાંધા અરજી આપી હતી.’

ભાજપ પારદર્શક ચૂંટણીથી ભાગી રહ્યું છે : મનીષ દોશી

મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘ભાજપ પારદર્શક ચૂંટણીથી ભાગી રહ્યું છે. એવા સંજોગોમાં ભાજપે સીધી રીતે ચૂંટણી ન થાય તે માટે હથકંડા અપનાવ્યા. સુરતમાં અપક્ષના ઉમેદવારો પાસે ફોર્મ પરત ખેંચાવી લીધા. શક્તિસિંહે પણ સ્પષ્ટ કહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી અમે લડવાના છીએ. થોડો વિલંબ થશે પણ ન્યાય જરૂર મળશે અને સત્ય સામે આવશે.’

કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ થયું હતું રદ

સુરત લોકસભાની ચૂંટણીમાં ગઈકાલે બપોર સુધી કોગ્રેસના ઉમેદવારના ફોર્મને લઇને ધમાચકડી ચાલ્યા બાદ સુરત જિલ્લા કલેકટરે કોંગ્રેસના નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારનુ ફોર્મ રદ કર્યું હતું. આ ફોર્મ રદ થતા જ ફોર્મ ચકાસણીની પ્રકિયા પણ પૂર્ણ થઈ છે. 

સુરતમાં કોંગ્રેસ 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણી લડી શકશે નહીં

સુરત લોકસભાની ચૂંટણીના 73 વર્ષના વર્ષના ઈતિહાસમાં આ વર્ષે 18મી વખત યોજાનારી ચૂંટણી મતદારો, રાજકીય પક્ષો માટે હંમેશા એટલા માટે યાદ રહેશે કેમ કે 73 વર્ષમાં મુખ્ય પક્ષ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. આ દિવસ કોગ્રેસ માટે કાળો દિવસ ગણાશે તેવો કાર્યકરોમાં ગણગણાટ થઈ રહ્યો છે. વર્ષ 1951થી ચૂંટણી યોજાઈ રહી છે અને 2019 સુધી 17 વખત ચૂંટણી યોજાઈ તેમાં કોગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. પરંતુ 1951 પછી પ્રથમ વખત એવુ બનશે કે કોગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં. આ નામોશી માટે કોણ જવાબદાર? તે ચર્ચાનો વિષય બન્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *