Salman Khan House Firing Case : એક્ટર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ફાયરિંગ કરવા મામલે તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. આ મામલે પકડાયેલા શૂટર વિક્કી ગુપ્તા અને સાગર પાલ સતત પૂછપરછ કરી રહ્યા છે. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સુરત પહોંચી છે. સુરતની તાપી નદીમાં શૂટરોએ પિસ્તોલ ફેંકી હતી તેની શોધખોળ ચાલી રહી છે. આ પિસ્તોલથી આરોપીઓએ સલમાનના ઘર પર ફાયરિંગ કર્યું હતું.
હુમલા બાદ તાપી નદીમાં પિસ્તોલ ફેંકી હતી
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહેલા દિવસથી જ પિસ્તોલની શોધમાં છે. હકિકતમાં શૂટર વિક્કી ગુપ્તા અને સાગર પાલે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, જ્યારે તેઓ બંને ફાયરિંગ કર્યા બાદ મુંબઈથી સુરત પહોંચ્યા હતા, ત્યારબાદ બંને ટ્રેનથી ભુજ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમણે હથિયાર એટલે કે પિસ્તોલને એક રેલવે પુલથી તાપી નદીમાં ફેંકી દીધી હતી.
ભુજથી પકડાયા હતા બંને શૂટર
વિક્કી અને સાગર પાલે ગત 14 એપ્રિલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 58 વર્ષીય સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ બંને બાઈકમાં ફરાર થઈ ગયા હતા. ટેક્નિકલ સર્વિલાન્સના આધાર પર તેમને 16 એપ્રિલે મુંબઈ અને કચ્છ પોલીસની સંયુક્ત ટીમોએ ભુજ શહેરથી ઝડપી લીધા હતા, ત્યાં બંને સુતેલા હતા. બાદમાં બંનેને ઝડપીને મુંબઈ પોલીસને સોંપી દેવાયા હતા.
સુરત પોલીસની મદદથી ક્રાઈમ બ્રાન્ચ શોધી રહી છે હથિયાર
સુરત પોલીસના અધિકારી અનુપમ સિંહ ગેહલોતે આ અંગે એજન્સીને જણાવ્યું કે, મુંબઈ પોલીસની એક ટીમ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવા માટે બે લોકો દ્વારા ઉપયોગ કરાયેલી બંદૂકને શોધવા માટે સુરત આવી છે. તેમની ટીમો હથિયાર શોધવામાં મુંબઈ પોલીસની મદદ કરી રહી છે.
લોરેન્સ અને અનમોન બિશ્નોઈને આરોપી
મુંબઈ પોલીસે ઘટનાને લઈને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના નાના ભાઈ અનમોલ બિશ્નોને વોન્ટેડ આરોપી જાહેર કર્યા છે. મુંબઈ પોલીસે કહ્યું કે, ગુપ્તા અને પાલને કથિત રીતે બન્ને બિશ્નોઈ ભાઈઓથી નિર્દેશ મળ્યા હતા. જણાવી દઈએ કે, લોરેન્સ બિશ્નોએ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. તો તેનો ભાઈ કેનેડા અથવા અમેરિકામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.