રાજકોટમાં લુખ્ખાઓનો ત્રાસ યથાવત્
ધંધાકીય ખાર અને મશ્કરીમાં ગાળો દેવા બાબતે બે યુવાનોને પાઇપ અને સળિયાના ઘા ઝીંકી દેવાયા
મફતમાં પાણીપૂરી નહીં આપનાર વેપારી પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યાનો બનાવ બી
ડીવીઝન પોલીસ મથકમાં જાહેર થયો છે.
મૂળ મધ્યપ્રદેશના અને હાલ ભગવતીપરા શેરી નં. ૮માં ભાડાના
મકાનમાં રહેતા મૂળચંદસિંહ કુશ્વાહ (ઉ.વ.૩૨)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે
ગઇકાલે સાંજે પાણીપૂરીની લારી લઇને જૂના મોરબી રોડ તરફ જતા હતા ત્યારે બે ગ્રાહકોએ
બે પાણીપૂરીની પ્લેટ ખાધા બાદ પૈસા નથી તેમ કહેતા પછી આપી દેવાનું કહ્યું હતું.
રાતે નવેક વાગ્યાની આસપાસ પાણીપૂરીની લારી લઇ ઘરે જતા હતા
ત્યારે જૂના મોરબી રોડ પર ફરીથી તે જ બંને ગ્રાહકે મફતમાં પાણીપૂરી માગતા ના પાડી
હતી. જેથી ઉશ્કેરાઇ જઇ ગડદાપાટુનો માર માર્યા બાદ લારીમાં તોડફોડ કરી હતી. એટલું જ
નહીં બેઠકના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા ૧૦૮માં સિવિલ હોસ્પિટલે જઇ સારવાર લીધી હતી.
હુમલા વખતે નજીકમાં ઉભેલા સિક્યોરિટી ગાર્ડે બંને શખ્સોના
નામ સાજન પરમાર અને દિપક હોવાનું જણાવતા આ બંને સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.
બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ પાસેના શીતળાધાર ૨૫
વારિયામાં રહેતા અને મજૂરી કરતાં રહીમ કોરડીયા (ઉ.વ.૩૫)એ નોંધાવેલી ફરિયાદમાં
જણાવ્યું છે કે ગઇ તા. ૧૯ના રોજ રાત્રે ધંધાકીય બાબતનો ખાર રાખી કપીલ ગોસ્વામી, દિક્ષિત ગોસ્વામી
અને તેના મિત્રએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આજી ડેમ પોલીસે ગુનો દાખલ
કર્યો હતો.
ત્રીજા બનાવમાં ખોખડદળ નદી પૂલ પાસે શ્રી સત્યસાંઇ
ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા અને ત્યાં જ કારખાનામાં મજૂરી કરતાં અરવિંદ પાર્શ્વનાથ
(ઉ.વ.૩૫)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇ તા. ૨૦ના રોજ રાત્રે કારખાનાની
બહાર મિત્રો મુકેશ યાદવ અને સાગર સાથે બેઠો હતો. વાતચીત દરમિયાન મજાકમાં તેણે
મુકેશને ગાળો ભાંડતા મુકેશ અને સાગરે ભેગા મળી તેને બેફામ ગાળો ભાંડી, મારકૂટ કર્યા બાદ
લોખંડના સળીયા વતી હુમલો કરતા ૧૦૮માં જઇ સિવિલમાં સારવાર લીધી હતી. આજી ડેમ પોલીસે
બંને આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.