– આપના ઉમેદવારે એફિડેવિટમાં અપૂરતી, ખોટી વિગત આપ્યાનો ભાજપે વાંધો ઉઠાવ્યો હતો 

– ભાજપે વાંધો ઉઠાવતા જિલ્લા ચૂંટણી તંત્રએ આપના ઉમેદવારને એક દિવસનો સમય આપ્યો હતો

ભાવનગર : ભાવનગર લોકસભા બેઠક પર ઈન્ડીયા ગઠબંધનમાંથી આપના ઉમેદવાર અને બોટાદના ધારાસભ્ય ચૂંટણી લડી રહ્યા છે પરંતુ આપના ઉમેદવારે તેમના ઉમેદવારી પત્રની એફિડેવિટમાં અપૂરતી અને ખોટી વિગત આપી હોવાનો આક્ષેપ કરી ભાજપના ઉમેદવારના પ્રતિનિધિએ ગત શનિવારે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા રજૂ કર્યા હતા, જેના પગલે માહોલ ગરમાયો હતો. આ બાબતે જવાબ રજૂ કરવા આપના ઉમેદવારને જિલ્લા ચૂંટણી અધિકારીએ એક દિવસનો સમય આપ્યો હતો. આજે રવિવારે ભાજપ અને આપના ઉમેદવારોના વકીલોની દલીલ સાંભળી જિલ્લા કલેક્ટરે આપના ઉમેદવારનુ ફોર્મ માન્ય રાખવા નિર્ણય કર્યો હતો. 

૧૫-ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં ગત શનિવારે ઉમેદવારી પત્રોની ચકાસણીનો દિવસ હતો. જેમાં ભાજપના ઉમેદવાર નિમુબહેન જયંતિભાઈ બાંભણિયાના પ્રતિનિધિ ઉત્પલભાઈ આર. દવેએ આ ૧૫-ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા રજૂ કરવામાં આવેલ ફોર્મ નં.૨૬ (એફિડેવિટ)માં અપૂરતી તથા ખોટી માહિતી આપવામાં આવેલ હોવાનું જણાવી ચાર વાંધા રજૂ કર્યા હતા પરંતુ આજે રવિવારે બંને ભાજપ અને આપના ઉમેદવારોના વકીલોની દલીલ સાંભળી જિલ્લા કલેક્ટરે આપના ઉમેદવારનુ ફોર્મ માન્ય રાખવા નિર્ણય કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવારના પ્રતિનિધિએ વાંધા રજૂ કરતા જણાવ્યુ હતુ કે, ફોર્મ નં.૨૬માં દર્શાવવામાં આવેલ (૪) નંબરની વિગતોમાં આવકવેરા પત્રક (રીટર્ન)માં દર્શાવેલ આવકમાં ગત-૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારે પોતાની વર્ષ ૨૦૧૮-૧૯ની આવક રૂા. ૮,૭૪,૦૯૦ દર્શાવેલ છે જ્યારે હાલની ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પોતાના સોગંદનામામાં આવકવેરા પત્રક (રીટર્ન)માં ૨૦૧૮-૧૯માં આવક રૂા. ૧૧,૨૦,૦૦૦ દર્શાવેલ છે. જે માહિતી વિરોધાભાસ ઊભો કરે છે. ફોર્મ નં.૨૬માં દર્શાવવામાં આવેલ (૭) નંબરની વિગતોમાં ઉમેદવાર દ્વારા ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પોતાની હાથ પરની રોકડ રકમ રૂા. ૩૩,૩૫,૦૦૦ તથા પત્નીની રોકડ સિલક રૂા. ૨૨,૨૮,૩૫૦ દર્શાવેલ છે. જે આવક પોતાના છેલ્લા પાંચ વર્ષની દર્શાવેલ આવક કરતા વધારે જણાઈ આવે છે. જે માહિતી અવાસ્તવિક રીતે રજૂ કરવામાં આવેલ છે. 

ફોર્મ નં.૨૬માં દર્શાવવામાં આવેલ ૯-(ખ)માં પોતાના ધંધાની વિગત દર્શાવેલ નથી. તેમાં દેવ એન્ડ આર્યા ઈન્ફ્રા પ્રા.લિ.ના ડાયરેક્ટર દર્શાવેલ છે તથા ૯-ક(ખ)માં આવકના સ્ત્રોતમાં ડાયરેક્ટર બતાવેલ જે આવકનો સ્ત્રોત દર્શાવેલ નથી. શિક્ષણની માહિતી અધૂરી આપેલ છે જેમાં બી.એ. કઈ કોલેજમાં કે કઈ યુનિવર્સિટી કે ક્યાં વર્ષમાં પાસ કરેલ છે તેની વિગત આપવામાં આવેલ નથી તેમજ કઈ શાળામાંથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પાસ કરેલ હોય તેની કોઈ જ વિગતો આપેલ નથી. ઉમેદવારે પોતાની આ માહિતી છૂપાવેલ છે તેવા વાંધા રજૂ કર્યા હતાં. આ દરમિયાન આપના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ જિલ્લા ચૂંટણી અધિકારી આર.કે. મહેતા સમક્ષ જવાબ રજૂ કરવા માટે સમય માગ્યો હતો. જે રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવી હતી. 

જિલ્લા ચૂંટણી અધિકારીએ આજે રવિવારના રોજ સવારે ૧૧ વાગ્યાનો સમય આપ્યો હતો. આજે રવિવારે આપ પાર્ટીના ઉમેદવાર, કાર્યકરો, સમર્થકો વકીલોને લઈ જિલ્લા ચૂંટણી અધિકારીને મળ્યા હતા અને જવાબ રજૂ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીએ બંને પક્ષોની દલીલ સાંભળી અંતે આપના ઉમેદવારનુ ફોર્મ માન્ય રાખ્યુ હતુ તેથી આપના ઉમેદવાર-કાર્યકરોમાં આનંદની લાગણી ફરી વળી હતી. 

આપના ઉમેદવારના સમર્થકો અને પોલીસ વચ્ચે ચકમક 

ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે આપ પાર્ટીના ઉમેદવાર જવાબ રજૂ કરવા માટે આવ્યા હતા ત્યારે તેઓની સાથે તેના સમર્થકો તેમજ કાર્યકરો આવ્યા હતાં. આ દરમિયાન આપ-કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો-સમર્થકો અને પોલીસ વચ્ચે ચકમક થઈ હોવાનુ જાણવા મળેલ છે, જો કે ત્યારબાદ સમજાવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.  

મહિલા ઉમેદવારે તમામ ઉમેદવાર સામે વાંધા રજૂ કર્યા 

ભાવનગર લોકસભા બેઠક પર ભગવતીબેન બ્રહ્મક્ષત્રીયએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ છે. આ મહિલા ઉમેદવારે ભાવનગર લોકસભા બેઠક પર ભાજપ, આપ સહિત અન્ય તમામ ઉમેદવારો સામે કોઈને કોઈ વાંધા રજૂ કર્યા હતા અને ફોર્મ રદ કરવા માંગણી કરી હતી પરંતુ જિલ્લા ચૂંટણી અધિકારીએ વાંધા ફગાવી દીધા હતાં. 

ફોર્મ રદ કરાવવાનુ ભાજપનુ કાવતરૂ નિષ્ફળ : ઉમેશ મકવાણા 

ભાવનગર લોકસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનુ ફોર્મ માન્ય રહ્યુ હતુ તેથી કાર્યકરો તેમજ સમર્થકોએ ઢોલ વગાડી આતિશબાજી કરી ઉત્સાહ વ્યકત કર્યો હતો. ભાજપ પર પ્રહારો કરતા ઉમેશ મકવાણાએ જણાવ્યુ હતુ કે, હાર ભાળી ગયેલી ભાજપ સરકાર દ્વારા તંત્રનો દુરૂપયોગ કરી મારૂ ફોર્મ રદ કરાવવા કાવતરા કરવામાં આવ્યા હતા પરંતુ ચૂંટણી ઈન્ચાર્જે મારૂ ફોર્મ મંજૂર કરી લોકશાહીનુ હનન થતુ અટકાવ્યુ છે.  

હુકમ આવ્યા બાદ પ્રદેશ ભાજપ આગળની કાર્યવાહી માટે નિર્ણય કરશે 

ભાવનગર લોકસભા બેઠક પર આપના ઉમેદવારે એફિડેવિટમાં અપૂરતી, ખોટી વિગત આપ્યાનો ભાજપે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ આ વાંધા જિલ્લા ચૂંટણી અધિકારીએ માન્ય રાખ્યા નથી અને આપના ઉમેદવારનુ ફોર્મ માન્ય રાખ્યુ છે. આ બાબતે ભાજપ અગ્રણી હરૂભાઈ ગોંડલીયાને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, લેખીતમાં હુકમ હજુ મળ્યો નથી, લેખીતમાં હુકમ મળ્યા બાદ પ્રદેશ ભાજપના અગ્રણીઓ સાથે સમીક્ષા કરવામાં આવશે અને પ્રદેશ ભાજપની સૂચના મુજબ આગળની કાર્યવાહી માટે નિર્ણય કરાશે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *