વડોદરાના ઉંડેરા વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના ૮૦ જેટલા વેપારીઓએ ચાર વર્ષથી ફાયર એનઓસી નહીં અપાઈ રહ્યુ હોવાના કારણે સીલ મારવામાં આવેલી દુકાનો ખોલવામાં ના આવે તો પરિવાર સાથે સામૂહિક આત્મહત્યાની ચીમકી આપી છે.
આ વેપારીઓએ આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, ઉંડેરા વિસ્તારમાં કંકાવટી ઓટ્રિયમ નામના કોમ્પ્લેક્સને ૨૦૦૮માં બાંધકામ માટે પરવાનગી આપવામાં આવી હતી.૨૦૧૧થી ૮૦ કરતા વધારે વેપારીઓ અહીંયા દુકાનો લઈને વ્યવસાય કરી રહ્યા છે.જે તે સમયે કોમ્પ્લેક્સનુ ફાયર એનઓસી કોમ્પ્લેકસના વહિવટકર્તાના નામે લેવાયુ હતુ.તેમનુ એપ્રિલ ૨૦૨૧માં અવસાન થયા બાદ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જેમના નામનુ એનઓસી લેવાયુ છે તે હયાત નથી તેમ કહીને ફાયર એનઓસી રદ કરી નાંખવામાં આવ્યા હતા.
વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, ફાયર એનઓસી રદ કર્યા બાદ ચાર વર્ષથી નવુ ફાયર એનઓસી અપાયુ નથી અને કોમ્પ્લેક્ષને સીલ કરી દેવાયુ છે.વેપારીઓ કોઈ પણ જાતની આવક વગર લોનના હપ્તા અને બીજો ટેક્સ ભરી રહ્યા છે.વેપારીઓએ કહ્યુ હતુ કે, કલેકટર કચેરી-કોર્પોરેશન અને ફાયર બ્રિગેડના અધિકારીઓના માનવા પ્રમાણે કોમ્પ્લેકસમાં કાયદા વિરુધ્ધનુ થોડુ બાંધકામ થયુ છે અને અમે નક્કી કર્યુ છે કે આ વાત સાચી હોય તો અમે દંડ ભરવા તૈયાર છે પણ અધિકારીઓ કોઈના દબાણમાં આવીને અમારી રજૂઆત સાંભળી રહ્યા નથી.ઉલટાનુ હવે કોમ્પલેકસને તોડવા માટે હિલચાલ થઈ રહી છે.જેની સામે અમે હાઈકોર્ટમાં જઈને સ્ટે પણ મેળવ્યો છે.