Lok Sabha Elections 2024 : લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે પરેશ ધાનાણી, અમિત શાહ, સી.આર. પાટીલ અને નૈષધ દેસાઈએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે આ વચ્ચે નવસારીમાં ઉમેદવારી સમયે અલગ દ્રશ્યો જોવા મળ્યા હતા. નવસારી બેઠક પરના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ કલેક્ટર કચેરીએ મુલાકાત કરી હતી અને બંને ગળે મળ્યા હતા.
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે કરી ગુપ્ત વાતચીત
નવસારીમાં સી.આર. પાટીલ અને નૈષધ દેસાઇ એકસાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થયા હતા. આ દરમિયાન બંને એકબીજાને કાનમાં કંઈક વાત કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ પાટીલની નજીક જઈ કાનમાં કંઈક કહ્યું હતું. જે સાંભળી પાટીલ હસ્યા હતા અને ત્યાંથી આગળ જવા રવાના થયા હતા. જે મુલાકાતનો વીડિયો વાયરલ થયો છે. ઉમેદવારી નોંધાવતા સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવ્યા હતા. તેમજ બન્ને પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુપ્ત વાતચીત અંગે નૈષધ દેસાઈએ કહ્યું કે, મેં સી.આર.પાટીલને કામનમાં શુભેચ્છા આપી. ત્યારબાદ સી.આર. પાટીલે પણ મને શુભેચ્છા આપી.
સી.આર. પાટીલે ઉમેદવારી વિજય મુહૂર્તમાં ભર્યું ફોર્મ
સી.આર.પાટીલે આજે નવસારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે 12:39 વાગ્યાના વિજયમુહૂર્તમાં ફોર્મ ભર્યું છે. પાટીલે ઉમેદવારી નોંધાવતા કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ દરમિયાન પાટીલે કહ્યું કે, ‘ભાજપના સૌ કાર્યકરો, આગેવાનોએ સખત મહેનત કરી છે. ભાજપે મતદાતાઓ સાથે સંબંધ જાળવી રાખ્યો છે. વડાપ્રધાને કરેલા કામોની વાતો લોકો સુધી પહોંચી છે.’ જણાવી દઈએ કે, ગઇકાલે ભાજપ પદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભવ્ય રોડ-શો યોજ્યો હતો. નવસારીના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. જેમાં રોડ-શોમાં ભારે ભીડ હોવાને કારણે સી.આર.પાટીલ વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરી પહોંચી શક્યા નહોતા. જેના કારણે તેમણે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું.
નૈષધ દેસાઈ ગાંધીજીની વેશભૂષામાં પહોંચ્યા ફોર્મ ભરવા
નવસારી લોકસભા ‘I.N.D.I.A.’ ગઠબંધનના ઉમેદવાર નૈષધ દેસાઈ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી. તેમણે જીતનો દાવો પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સી.આર. પાટીલે નવસારીમાં વિજય સંકલ્પ રેલી યોજી હતી. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ અને કાર્યકર્તા જોડાયા હતા. ત્યારે સી. આર. પાટીલની રેલીમાં લોકગાયક ગીતાબેન રબારી અને કીર્તિદાન ગઢવીએ ગીતોની રમઝટ બોલાવી હતી. આ દરમિયાન રેલીમાં હાજર કાર્યકર્તા ઉત્સાહિત થઈ ગયા હતાં.