Food Checking in Surat : સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ મસાલાની સિઝન પણ શરુ થઈ છે. ભુતકાળમાં કેટલીક જગ્યાએ મસાલામાં ભેળસેળ હોવાનું બહાર આવ્યા બાદ આ વર્ષે મસાલા ની સિઝન શરૂ થતાં સાથે જ પાલિકાના ફૂડ વિભાગે મસાલાના વેચાણ કરનારા વેપારીઓને ત્યાં દરોડા પાડીને સેમ્પલ લઈને ચેકીંગ માટે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
સુરત પાલિકાના ફુડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વખતથી ખાણી પીણી નું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરીને સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપે છે. થોડા સમય પહેલાં પાલિકાના ફૂડ વિભાગે લીધેલા સેમ્પલમાં ઘી, પનીર, બરફના કલર અને ક્રીમ ના સેમ્પલ ઉતરતી ગુણવત્તાના બહાર આવ્યા હતા. ત્યાર બાદ હાલમાં સુરતમાં મરી મસાલાની સિઝન શરુ થઈ છે ગૃહિણીઓ આખા વર્ષના મરી મસાલા ભરે છે. તેમાં પણ હાલમાં સુરતના અનેક જગ્યાએ ખુલ્લી જગ્યામાં મસાલાનું વેચાણ થઈ રહ્યું છે.
સુરત માં વેચાતા મસાલા આરોગ્ય પ્રદ છે કે નહી અને ગુણવત્તાવાળા છે કે નહીં તેની ચકાસણી માટે આજે સુરત પાલિકાના ફૂડ વિભાગે સાત ટીમ બનાવી હતી અને દરેક ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં થી હળદર, મરચા, ધાણાજીરુ સહિતના મસાલાના સેમ્પલ લીધા છે. , આ સેમ્પલ પાલિકાની ફુડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે મસાલા ભેળસેળવાળા છે કે નહીં..!