image : Socialmedia
Moths in Food at Wok on Fire Vadodara : વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ નીલાંબર સર્કલ પાસે આવેલ એક ફૂડ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા વ્યક્તિના ખોરાકમાંથી વંદો નીકળતા ફરી એકવાર વડોદરા શહેરની રેસ્ટોરન્ટ અને હોટલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉભો થયો છે. આ અંગે મળેલી ફરિયાદના આધારે આજે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે અહીં ચેકિંગ પણ શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના ભાયલી પાસે આવેલ નિલાંબર સર્કલ નજીક વોક ઓન ફાયર રેસ્ટોરન્ટમાં એક મહિલા તેના બાળકને લઈને અહીં જમવા ગઈ હતી. ઓર્ડર આપતા સમયે તેમણે રેસ્ટોરન્ટના સ્ટાફને જણાવ્યું હતું કે, અમે પ્યોર વેજિટેરિયન છીએ એટલે ખોરાકમાં યોગ્ય ધ્યાન આપશો. તે બાદ મહિલાની દીકરી ખોરાક આરોગી રહી હતી ત્યારે તેના ખોરાકમાંથી વંદો નીકળ્યો હતો. જેથી તેણે આ મામલે સ્ટાફનું ધ્યાન દોડતા સ્ટાફે એને મસળી નાખ્યો હતો અને પોતાની સાથે લઈ ગયા હતા. આ મામલે મહિલાએ વધુ આક્ષેપ કરતા સ્ટાફે જણાવ્યું હતું કે, આ ખાદ્ય પદાર્થની જ વસ્તુ છે આ સમયે અહીંનો સ્ટાફ એ વસ્તુ પોતાના મોઢા સુધી લઈ ગયો પરંતુ તેને ખાધું ન હતું. જેથી મહિલાને પીરસવામાં આવેલ ભોજનમાં જીવાત, વંદો અથવા અન્ય તેવી કોઈ અખાદ્ય વસ્તુ હોવાની બાબતને સમર્થન મળ્યું હતું. મહિલાએ આ મામલે કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ફરિયાદ કરતા આજે સવારથી ફૂડ ઇન્સ્પેક્ટરોએ વોક ઓન ફાયર રેસ્ટોરન્ટમાં કિચન સહિતની જગ્યાએ તપાસ શરૂ કરી છે. અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધે જણાવ્યું હતું કે, જરૂર લાગશે તો અહીં ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવામાં આવશે અને એફએસએસઆઈના નિયમ વિરુદ્ધ જો કશું જણાશે તો રેસ્ટોરન્ટને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે.