– મોબાઇલમાં ગાળો આપી સમાજમાં બદનામ કરી નાખવાની પણ ધમકી

– કુવાડીયા, સામોર તથા મોટા આસોટાના ૩ યુવાનોને ઝડપી લઈને સાયબર ક્રાઇમ પોલીસે કરી કાર્યવાહી

જામખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા કલ્યાણપુરના ત્રણ લવર મૂંછીયા શખ્સો દ્વારા એક મહિલા ગાયક કલાકારને બિભત્સ વિડીયો મોકલી અને રોકડ રકમની ખંડણી માગતા જિલ્લા સાયબર સેલ પોલીસે આ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.

આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ એક જાણીતા મહિલા ગાયક કલાકારને કોઈ અજાણ્યા મોબાઈલ નંબરધારક શખ્સો દ્વારા બિભત્સ વિડીયો મોકલી અને આ વિડીયો તેમનું હોવાનું જણાવી, રૃપિયા ૩૫,૦૦૦ ની ખંડણી માંગી હતી. આ રીતે માનસિક રીતે હેરાન પરેશાન કરી બિભત્સ ગાળો કાઢી, સમાજમાં બદનામ કરવાની ધમકી આપવા સબબ આ મહિલા ગાયક કલાકાર દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ પ્રકારના ગંભીર ગુનાઓને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ સંદર્ભે તાકીદે પરિણામલક્ષી કામગીરી કરવા માટે સાયબર ક્રાઈમ વિભાગને સૂચનાઓ આપતા આને અનુલક્ષીને સાયબર ક્રાઇમ પોલીસે ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામે રહેતા વિશાલ રામભાઈ દેથરીયા (ઉ.વ. ૧૯) નામના વિદ્યાર્થી યુવાન તેમજ સામોર ગામના દિવ્યેશ રામભાઈ કરંગીયા (ઉ.વ. ૧૯) તથા કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા હેમત રણમલ કરંગીયા (ઉ.વ. ૧૯) નામના ત્રણ શખ્સોને તાકીદે ઝડપી લીધા હતા.

૧૨ ધોરણ સુધીનો અભ્યાસ કરી ચૂકેલા હેમત કરંગીયા ખેતી કામ કરે છે. જ્યારે વિશાલ દેથરીયા હાલ અમદાવાદ ખાતે બી.સી.એ.મા તેમજ દિવ્યેશ કરંગીયા પણ ખેત વ્યવસાય સાથે સંકળાયેલો છે. ઉપરોક્ત આરોપી વિશાલએ હેમતને બિભત્સ વિડીયો મોકલી અને હેમત કરંગીયાએ આ બિભત્સ વિડીયો વર્ચ્યુઅલ નંબર દ્વારા મહિલા કલાકારને વોટ્સએપ મારફતે મોકલ્યો હતો. આ વિડીયો તેમનો હોવાનું જણાવી, તેની પાસેથી રૃપિયા ૩૫,૦૦૦ની ખંડણીની માંગણી કરી હતી. આ પૈસા તેના મિત્રના ગૂગલ પે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું જણાવી અને જો તેઓ પૈસા નહીં આપે તો આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી, સમાજમાં કરવાની ધમકી આપી હોવાની કબુલાત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી હતી. પોલીસને આરોપીઓના મોબાઈલમાંથી બિભત્સ વિડીયો પણ મળી આવ્યો હતો.  આ સમગ્ર પ્રકરણ અંગે સાયબર ક્રાઇમ પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *