Vadodara News : વડોદરા શહેર નજીક આવેલ ટિમ્બી તળાવ અનેક પ્રકારના પક્ષીઓની પ્રજાતિઓથી પ્રચલિત છે. ત્યારે બીજી તરફ ટિમ્બી તળાવની આસપાસ છેલ્લા કેટલાક દિવસોથી અહીં ખોદકામ થતું જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં અચંબા સાથે નારાજગી જોવા મળી રહી છે. જો તળાવની નજીક ભવિષ્યમાં અહીં કોંક્રિટનું જંગલ ઊભું થશે તો તેનાથી અહીં આવીને વસતા પક્ષીઓની પ્રકૃતિને અસર થવાની શક્યતા પક્ષી પ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે.
વડોદરા શહેરને છેવાડે આજવા ક્રોસિંગ પછી આવેલ સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ પાસે ટિમ્બી તળાવ પક્ષીઓના વસવાટ માટે ખૂબ પ્રચલિત છે. પક્ષી પ્રેમીઓ જણાવી રહ્યા છે કે, અહીં અલગ અલગ સિઝનમાં 200થી વધુ જાતિના પક્ષીઓ જોવા મળતા હોય છે. ખાસ કરીને ઠંડીની મોસમમાં તો અહીં વિદેશી પક્ષીઓનું પણ આગમન થતું હોય છે અને પ્રકૃતિ પ્રેમીઓ અહીં આવીને તેનો આનંદ ઉઠાવતા હોય છે. આ જગ્યા અત્યંત શાંત અને રમણીય હોવાથી પક્ષીઓના વસવાટ માટે પણ એક સાનુકૂળ સ્થળ માનવામાં આવે છે. ત્યારે બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી ટિમ્બી તળાવની આસપાસ બુલડોઝર સહિતની મશીનરીથી ખાડા ખોદી અહીં ચોક્કસ પ્રકારની ગતિવિધિ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ અંગે કેટલાક પક્ષી પ્રેમીઓ તળાવની મુલાકાતે ગયા હોઇ તેઓએ સમગ્ર પરિસ્થિતિ જોતા અહીં બુલડોઝર વડે થઈ રહેલી કામગીરી અંગે તેમણે ઈચ્છા કરતા એમને જાણવા મળેલ હતું કે, તેઓએ (ખોદકામ કરનારાઓને) અહીં સરકારમાંથી કોન્ટ્રાક્ટ મેળવી કામ શરૂ કર્યું છે પરંતુ આ શું કામ છે અને કઈ ગતિવિધિ થઈ રહી છે? તેનો તેણે ઉલ્લેખ કરવાનો ઇન્કાર કરી દીધો ! ત્યારે પક્ષી પ્રેમીઓમાં હાલ ચિંતા એ ઊભી થઈ છે કે જો અહીં આજે ખોદકામ થઈ રહ્યું છે અને ત્યારબાદ ભવિષ્યમાં જો અહીં કોંક્રીટનું ચણતર ઊભું કરી દેવામાં આવશે તો તેના કારણે પક્ષીઓની પ્રજાતિને ખૂબ અસર થવાની ધારણા છે. હાલ પશુ, પક્ષીઓ માટે ખૂબ મર્યાદિત જગ્યા ખાસ કરીને નદી-તળાવની આજુબાજુ ઉપલબ્ધ છે. ત્યારે ટિમ્બી તળાવ પાસે અતિ સુંદર જગ્યા પ્રકૃતિ માટે જાળવવી જોઈએ અને અહીં કોઈ પણ પ્રકારનું કાયદેસર કે ગેરકાયદેસર બાંધકામ થતું અટકાવવામાં સરકાર અંગત રસ દાખવે તે અહીંની 200થી વધુ પ્રકારની પક્ષીઓની પ્રજાતિના હિતમાં છે. આ મામલે પક્ષી પ્રેમીઓએ એમ પણ ઉમેર્યું કે, અહીં જે બાંધકામ થઈ રહ્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ. પરંતુ જો તંત્રએ અહીં બાંધકામ કરવાની મંજૂરી આપી હોય તો હવે તેની સામે ક્યાં અને કોને રજૂઆત કરવી? તે પણ એક મોટો સવાલ પક્ષી પ્રેમીઓના મનમાં હાલ ઉભો થયો છે.