Patanjali Misleading Ads Case: પતંજલિ ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર થયા હતા. બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની સાથે સાથે સરકારને પણ ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે પણ બાબા રામદેવની માફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. હવે આ કેસમાં 23મી એપ્રિલે સુનાવણી કરવામાં આવશે.

બાબા રામદેવ જાહેરમાં માફી માગવા તૈયાર 

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને કહ્યું કે, ‘તમે કહ્યું હતું કે તમે કંઈક બીજું ફાઈલ કરવા માગો છો?’ આના પર બાબા રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે ‘અમે હજુ સુધી કંઈ ફાઈલ કર્યું નથી, પરંતુ અમે જાહેરમાં માફી માગવા તૈયાર છીએ.’ નોંધનીય છે કે, બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ અખબારમાં જાહેરમાં માફી માગવા તૈયાર છે.

સુપ્રીમ કોર્ટમાં આજની કાર્યવાહીમાં શું થયું?

•સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થયા બાદ બાબા રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું- અમે બિનશરતી માફી માગીએ છીએ.’ આના પર જસ્ટિસ હિમા કોહલીએ બાબા રામદેવને પૂછ્યું કે, ‘શું તમે જે પણ કર્યું છે તેને માફ કરી દેવું જોઈએ.’ જવાબમાં બાબા રામદેવે કહ્યું કે, ‘હું કહેવા માંગુ છું કે અમે જે પણ ભૂલ કરી છે તેના માટે અમે બિનશરતી માફી માંગીએ છીએ.’ 

•જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે, ‘અમે તમને હજુ સુધી માફી નથી આપી. અમે વિચારીશું. જો કંપનીની કિંમત આટલા કરોડની હોય તો તેમે આ કામ ન કર્યું હોત.’ બાબા રામદેવે કહ્યું કે, ‘ફરી આવું નહીં થાય.’ કોર્ટે કહ્યું કે, અમે હજુ સુધી અમારું મન નથી બનાવ્યું કે તમને માફ કરીશું કે નહીં. તમે એક વાર નહિ પણ ત્રણ વાર ઉલ્લંઘન કર્યું છે.’

•જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું, ‘કાયદો બધા માટે સમાન છે.’ બાબા રામદેવે કહ્યું કે, ‘હું હવેથી આ વાતથી સતર્ક રહીશ. કામના ઉત્સાહમાં આ બન્યું. ફરી થશે નહીં’.

•જસ્ટિસ હિમા કોહલીએ આચાર્ય બાલકૃષ્ણને કહ્યું, ‘એવું નથી લાગતું કે તમારું હૃદય પરિવર્તન થયું હોય, તમે હજી પણ તમારી વાત પર અડગ છો. અમે 23મી એપ્રિલે આ અંગે વિચારણા કરીશું.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *