– આઝાદ ચોકમાં રહેતા 23 વર્ષીય શહેબાઝખાનને ઘરની સામે રહેતા સમીર મર્દાનગી અને આમીન કાલુની બહેન સાથે પ્રેમ સંબંધ હતો
– બંનેએ ચપ્પુ મારતા શહેબાઝખાનના આંતરડા બહાર નીકળી ગયા હતા : છોડાવવા વચ્ચે પડેલા તેના મિત્ર ફૈઝલને પણ ચપ્પુ માર્યું, બંને ભાઈની ધરપકડ
સુરત, : સુરતના લીંબાયત વિસ્તારમાં નુરાની મસ્જીદ પાસે રવિવારે રાત્રે બે ભાઈઓએ તેમના ઘરની સામે જ રહેતા યુવાન ઉપર પોતાની બહેન સાથેના પ્રેમસંબંધને લીધે જાહેરમાં જ ચપ્પુ વડે હુમલો કરતા યુવાનના આંતરડા બહાર નીકળી જતા ગંભીર ઈજા થઈ હતી.યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જોકે, તેનું ઓપરેશન પહેલા જ મોત નીપજ્યું હતું.આ બનાવમાં બંને ભાઈઓએ યુવાનને છોડાવવા વચ્ચે પડેલા તેના મિત્રને પણ ચપ્પુ માર્યું હતું.બનાવની જાણ થતા લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને ભાઈઓની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત આઝાદ ચોક નુરાની મસ્જીદ પાસે ગલી નં.10 ઘર નં.725 માં રહેતો 23 વર્ષીય શ્રમજીવી શહેબાઝખાન અસલમખાન કાજી ગતસાંજે મોટાભાઈ અરબાઝખાન સાથે નુરાની મસ્જીદમાં નમાઝ પઢીને મિત્ર ફૈઝલ સાકીર શેખ ( રહે.સુગરાનગર, લીંબાયત, સુરત ) અને આમીર ( રહે.ઓમકારનગર, લીંબાયત, સુરત ) સાથે નુરાની મસ્જીદ પાસે જોધપુર સ્વીટ એન્ડ બેકરીના ઓટલા પર બેસી વાતો કરતો હતો ત્યારે 8.45 ના અરસામાં તેના ઘરની સામે જ રહેતો સમીર મર્દાનગી અને તેનો ભાઈ આમીન કાલુ ત્યાં આવ્યા હતા.શહેબાઝખાનને તેમની બહેન સાથે પ્રેમસંબંધ હોય બંનેએ ઝઘડો કરી સમીર મર્દાનગીએ શહેબાઝખાનને પાછળથી પકડી રાખી આમીને ચપ્પુ તેના પેટમાં મારી દીધું હતું.જાહેરમાં હુમલો થતા થયેલી બુમાબૂમને પગલે અરબાઝખાન અને તેના પિતા ત્યાં દોડી ગયા હતા.
બંને ભાઈઓએ શહેબાઝખાનને ચપ્પુ મારતા તેનો મિત્ર ફૈઝલ બચાવવા વચ્ચે પડયો તો આમીને તેને પણ ચપ્પુ પેટમાં અને હાટમાં મારી દીધું હતું.આથી ફૈઝલ અને આમીર ત્યાંથી ભાગ્યા હતા.તે સમયે સમીર મર્દાનગીએ આમીનના હાથમાંથી ચપ્પુ લઈ શહેબાઝખાનને ડાબા હાથની કોણીમાં માર્યું હતું અને બાદમાં બંને મસ્જીદ તરફ ભાગી ગયા હતા.પેટમાં ચપ્પુ વાગતા શહેબાઝખાનના આંતરડા બહાર નીકળી ગયા હતા.શહેબાઝખાન અને તેના મિત્ર ફૈઝલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.ત્યાં તેનું ઓપરેશન પહેલા જ મોત નીપજ્યું હતું.જયારે ફૈઝલને દાખલ કર્યો હતો.બનાવની જાણ થતા દોડી ગયેલી લીંબાયત પોલીસે અરબાઝખાનની ફરિયાદના આધારે બંને ભાઈઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.વધુ તપાસ પીઆઈ એસ.બી.પઢેરીયા કરી રહ્યા છે.