– સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ કાર્યભાર સંભાળ્યો
– લોકોને પોલીસ મથકમાંથી જ સંતોષકારક જવાબ મળે તે પ્રાથમિકતા
સુરત, : સુરતના પોલીસ કમિશનર તરીકે અજયકુમાર તોમર વયનિવૃત્ત થયાના 74 દિવસ બાદ 24 મા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે આજરોજ ચાર્જ લીધો હતો.વડોદરાથી બદલી પામી સુરત આવેલા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લોકોને પોલીસ સ્ટેશનમાં જ સંતોષકારક જવાબ મળે તે મારી પ્રાથમિકતા છે તેમ જણાવ્યું હતું.તેની સાથે સુરતને સેઇફ બનાવવા માટે સમગ્ર સુરત શહેર પોલીસની ટીમ સાથે રહીને કામ કરશે તેવું પણ ઉમેર્યું હતું.
વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામતા સુરતના પોલીસ કમિશનર તરીકે અજયકુમાર તોમર વયનિવૃત્ત થયાના 74 દિવસ બાદ 24 મા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે આજરોજ બપોરે ચાર્જ લીધો હતો.વડોદરાથી બદલી પામી સુરત આવેલા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોને પોલીસ સ્ટેશનમાં જ તેમની તકલીફનો સંતોષકારક જવાબ મળે અને તેમણે ઉચ્ચ અધિકારી કે પોલીસ કમિશનર સુધી આવવું નહીં પડે તે તે મારી પ્રાથમિકતા છે.તેમણે જણાવ્યું હતું કે વિકાસ, ભૌગોલીક વિશિષ્ટતા અને શહેરીકરણને લીધે સુરતની આગવી ઓળખ ક્રાઈમમાં પણ છે.તેને લીધે સર્જાતા પડકારોને પહોંચી વળવા સુરત પોલીસ પહેલેથી જ સક્ષમ છે અને અમે અગાઉની જેમ એક ટીમ તરીકે કામ કરી સુરતને સેઇફ સીટી બનાવીશું.
તેમણે ઉમેર્યું હતું કે હાલ સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને તેને લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે.તેનો ઉકેલ લાવવા માટે પણ ખાસ પ્રયાસો કરાશે.તેમણે સુરતના લોકોને પણ અપીલ કરી હતી કે તેઓ સુરતને સેઈફ સીટી બનાવવા માટે પોલીસને સહકાર આપે.આગામી લોકસભા ચૂંટણી પણ સુરક્ષીત માહોલમાં યોજાય તે માટે સુરત પોલીસ કાર્યરત રહેશે.
સુરત રેન્જ આઈજી તરીકે પ્રેમવીરસિંઘે પણ ચાર્જ લીધો
સુરત, : સુરત રેન્જના આઇજી તરીકે આજરોજ પ્રેમવીરસિંઘે પણ ચાર્જ લીધો હતો.તેમણે જણાવ્યું હતું કે પાંચ જીલ્લામાં ગુનાખોરી અંકુશમાં લાવવા, કાયદો-વ્યવસ્થાની જાળવણી ઉપરાંત તેમની પ્રાથમિકતા દારૂ અને ડ્રગ્સની ગતિવિધિ નિયંત્રણમાં રહે તે માટેની કામગીરી કરવામાં આવશે.