Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની સમગ્ર સભામાં વોર્ડ નંબર 15 ના બે મહિલા કોર્પોરેટર શહેરમાં ભૂંડોનો ત્રાસ વધી ગયો છે અને જો તેને પકડવામાં નહીં આવે તો અમારે ભૂંડોને પકડીને સભામાં રજૂ કરીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવતા આજે કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા 21 વર્ષ બાદ પ્રથમવાર 35 ભૂંડ પકડી લીધા છે.
વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ હોવાને કારણે કોર્પોરેશન દ્વારા ઢોર પાર્ટીની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને તે મુજબ ગાયો પકડવાની કામગીરી કરવામાં આવે છે તેમજ ગેરકાયદે ઢોરવાડા પણ બંધ કરવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી 21 વર્ષમાં ભૂંડ પકડવાની કામગીરી કરવામાં આવી નથી. ત્યારે ગઈકાલે કોર્પોરેશનની સભામાં વોર્ડ નંબર 15 ના ભાજપના બે મહિલા કોર્પોરેટર પુનમબેન શાહ અને પારૂલબેન પટેલ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં વાઘોડિયા રોડ વિસ્તારમાં ભૂંડોનો ત્રાસ વધી ગયો છે અને કેટલીક જગ્યાએ નાના બાળકોને ભૂંડ કરડ્યા પણ હોવાના કિસ્સા બન્યા છે. ભૂંડોના ત્રાસને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.