અમદાવાદ,મંગળવાર
બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસ દ્વારા રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૃપિયા છ હજાર કરોડ જેટલી માતબર રકમની છેતરપિંડી કરવાના કેસમાં સીઆઇડી ક્રાઇમે કૌભાંડના માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલા સાથે સકળાયેલા સાત એજન્ટોની ધરપકડ કરી છે. ઝડપાયેલા પાંચ એજન્ટોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ભુપેન્દ્રસિંહે ત્રણ હજારથી વધુ એજન્ટોનું નેટવર્ક બનાવ્યું હતું. જેમના દ્વારા રોકાણ લાવતો હતો અને તેની સાથે સીધા જોડાયેલા મોટા એજન્ટોને કરોડોનું રોકાણ લાવવા બદલ ઔડી, ફોર્ચ્યુનર જેવી ગાડીઓ ભેટ આપી હતી. એટલું જ નહી કેટલાંક એજન્ટોએ રોકાણકારોના નાણાં ભુપેન્દ્રસિંહને આપવાને બદલે બારોબાર અંગત વપરાશમાં લઇ લીધા હતા. પોલીસ દ્વારા ૧૫થી લક્ઝરી કાર, મકાનો સહિતની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરાશે. સાબરકાંઠા સહિત ઉત્તર અને મધ્ય ગુજરાત અને ગાંધીનગરમાં બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના નામે ઓફિસ ખોલીને રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૃપિયા છ હજાર કરોડની માતબર રકમની છેતરપિંડી આચરવાના કેસની તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમની અલગ અલગ ટીમ દ્વારા સાત એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.