પંચમહાલમાં જિલ્લા પુરવઠા વિભાગની કડક કાર્યવાહી સામે આવી છે. જિલ્લા પુરવઠા વિભાગે એક સાથે 14 જેટલી સસ્તા અનાજની દુકાનોના પરવાના કાયમી રદ કરી દેવામાં આવ્યા છે અને આ ઉપરાંત રૂપિયા 28,58,391 જેટલી રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
6 દુકાનના પરવાના 90 દિવસ માટે રદ કરાયા
સરકાર દ્વારા જે અનાજ સસ્તા ભાવે આપવાનું હોય છે, તે આ દુકાનના સંચાલકો બારોબાર કાળા બજાર કરી દેતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેને લઈને જિલ્લા પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે અને 6 દુકાનના પરવાના 90 દિવસ માટે રદ કરી દીધા છે અને અન્ય 14 દુકાનના પરવાના કાયમી રદ કરવામાં આવ્યા છે. જેમાં કાલોલમાં 5 દુકાન, શહેરામાં 4 દુકાન, મોરવા હડફમાં 2 દુકાન, ગોધરા ગ્રામ્યમાં 1 દુકાન, ઘોઘંબામાં 1 દુકાન, જાંબુઘોડામાં 1 દુકાન સહિત કુલ 14 દુકાનોના પરવાના કાયમી રદ કરી દેવામાં આવ્યા છે.
દિવાળી પહેલા પણ પંચમહાલમાં સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું હતું
તમને જણાવી દઈએ કે દિવાળી પહેલા પણ પંચમહાલમાં સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં પુરવઠા વિભાગે નાની કાટડી ગામની દુકાનમાં રેડ કરી હતી અને સરકારી દુકાનમાંથી અનાજનો જથ્થો બારોબાર વેચાતો હતો. જેમાં ઈકો કારનો પીછો કરતાં અનાજનો જથ્થો મળ્યો હતો. જેમાં ઘઉં, ચણા અને તેલના પાઉચ જપ્ત કર્યા હતા અને કુલ રૂપિયા 3,15,622નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પરવાનેદાર કામિની શાહનો પરવાનો 90 દિવસ સુધી રદ કરવામાં આવ્યો હતો.