કન્યા છાત્રાલયમાં યુવતીનું શોષણ કરવા મામલે પોલીસ તો શોધી ન શકી ! : પોલીસની શંકાસ્પદ તપાસ વચ્ચે આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવતા બીજો આરોપી પરેશ રાદડિયા સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થયો

જસદણ, : જસદણ તાલુકાના આટકોટ ખાતે માતુશ્રી ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરનાર યુવતી પર ભાજપના બે આગેવાનોએ અનેક વખત દુષ્કર્મ ગુજાર્યાની ઘટનામાં થોડા સમય પહેલા એક આગેવાન મધુ ટાઢાણીને પોલીસે પકડી પાડયા બાદ સવા મહિના કરતાં પણ વધુ સમયથી ફરાર બીજા ભાજપ આગેવાન પરેશ પ્રેમજીભાઇ રાદડિયાએ ગઈકાલે રાજકોટ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રદ થવાથી આજે સામેથી આટકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આટકોટની કન્યા છાત્રાલયનાં ચકચારી પ્રકરણમાં પીડિતા યુવતીએ દોઢેક મહિના પહેલા રાજકોટ જિલ્લા પોલીસવડાને ફરિયાદ અરજી આપી હતી કે, તેણે અહીંનાં પટેલ કન્યા છાત્રાલયમાં 2019-20ની સાલમાં એડમિશન લીધું હતું અને ત્યાં જ રહી અભ્યાસ કરતી હતી. આ દરમિયાન હાલના ટ્રસ્ટી એવા ભાજપના આગેવાન અને વિરનગર ગામે રહેતા રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યાના પતિ પરેશ રાદડીયા તેમજ ભાજપના આગેવાન એવા પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી કે જે પરેશનો મિત્ર હતો, તેણે નજર બગાડી હતી. જેમાં મધુ અને પરેશ અવારનવાર છાત્રાલયમાં આવતા-જતા અને યેનકેન પ્રકારે હેરાન કરતા હતા. 

2021ની સાલમાં મધુ અને પરેશે ધાક-ધમકી આપીને કોઇને કોઇ બહાનું કાઢી તેણીનાં રૂમમાં આવી છેડતી કરવાની સાથોસાથ શારીરિક અડપલા શરૂ કર્યા હતાં. બાદમાં એક દિવસ વારાફરતી બંનેએ દુષ્કર્મ ગુજાર્યું હતું અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારપછી બંને અવારનવાર તેના રૂમમાં આવી તેની મરજી વિરૂધ્ધ બળજબરી કરતાં હતાં. આ દરમિયાન 2023ના જુલાઇ મહિનામાં મધુએ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાની કે.ડી.પી. હોસ્પિટલ ખાતે બોલાવીને ત્યાં પણ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી બંનેથી કંટાળીને 2024માં તેણી સુરત જતી રહેતા ત્યાં પણ મધુએ આવીને કારમાં બેસાડી દુષ્કર્મ ગુજાર્યું હતું. આખરે તેણીમાં હિંમત આવતા પરિવારના સભ્યોને આપવિતી કહ્યા બાદ આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

ચકચારી દૂષ્કર્મકાંડમાં લાંબા સમય સુધી ભાજપ આગેવાન મધુ ટાઢાણી ફરાર રહ્યા બાદ આખરે થોડા સમય પહેલા તેને પોલીસે ઝડપી લીધો હતો. જો કે સવા માસ કરતાં વધુ સમય વિતી જવા છતાં ભાજપ આગેવાન પરેશ રાદડિયાને પોલીસ પકડી શકી નહોતી. આ દરમિયાન તેણે રાજકોટ સેસન્સ કોર્ટમાં જામીન અરજી પણ કરી હતી, જે ગઈકાલે જ ફગાવી દેવામાં આવી હતી. જેથી ફરાર ભાજપ આગેવાન પરેશ રાદડિયા આજે નાટકીય રીતે આજે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ જતાં વિધિવત ધરપકડ કરીને કાર્યવાહી આગળ ધપાવી હતી. જો કે, સવા મહિના દરમિયાન ફરાર પરેશ ક્યાં-ક્યાં રહ્યો અને તેને કોણે-કોણે મદદ કરી ? એ સવાલનાં જવાબ આજે અકબંધ રહ્યા હતા. હવે પોલીસ તેને રિમાન્ડ પર લઈને બધા સવાલોનાં જવાબ મેળવશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *