Ambalal Patel Predicts Heavy Rain In Gujarat: ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના મુશળધાર વરસાદ ખાબક્યો હતો. નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોડાપૂર આવ્યા હતા. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે. તેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રીજી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે જે બાદમાં લો પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં બનતા જશે. છઠ્ઠી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંબાવના છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં 11.69 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાપીના સોનગઢમાં 10 ઈંચ, વ્યારામાં 9 ઈંચ, માંગરોળમાં 7.6 ઈંચ, વઘઈમાં 7.6 ઈંચ, ભરૂચમાં 7.2 ઈંચ, તિલકવાડામાં 7 ઈંચ, ઉચ્છલમાં 6.9 ઈંચ, ડોલવણમાં 6.7 ઈંચ, નડિયાદમાં 6.7 ઈંચ, વાંસદામાં 6.5 ઈંચ અને સુબીરમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યુ, તાપી જિલ્લામાં 350થી વધુ લોકોનું રેસ્ક્યુ, નદીઓ ગાંડીતૂર બની
ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ
ત્રીજી સપ્ટેમ્બર : છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેેલીમાં ઓરેન્જ એલર્ટ.
ચોથી સપ્ટેમ્બર: ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.
પાંચમી સપ્ટેમ્બર બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ.