Vadodara Crocodile Rescue : વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર ઓસરવા માંડ્યા છે પરંતુ મગરો પાછા ફરવાનું નામ લેતા નથી. પરિણામે અનેક વિસ્તારોમાં મગર જાહેરમાં ફરી રહ્યા હોવાથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી મહાકાય કહી શકાય તેવા 15 ફૂટના મગર સહિત વધુ ત્રણ મગર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગર મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે ત્યારે પૂરના પાણીની સાથે સાથે મગરો પણ બહાર નીકળી આવ્યા છે અને જાહેરમાં ફરતા દેખાઈ રહ્યા છે. જેથી નગરજનોના માથે વધુ એક જોખમ સર્જાયું છે.
ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે કામનાથ નગરમાં પૂરના પાણી ઓસરતા એક મહાકાય મગર મકાન પાસે મળી આવ્યો હતો. આ મગરનું રેસ્ક્યુ કરતા ફોરેસ્ટ વિભાગની તેમને ખુબ જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક યુવકોનો પણ તેમને સારો એવો સહકાર મળ્યો હતો. જવલ્લે જ જોવા મળતા 15 ફૂટના મહાકાય મગરને ફોરેસ્ટ ઓફિસમાં લાવતા નાકેદમ આવી ગયો હતો. સારા નસીબે મગરે કોઈને નુકસાન કર્યું નહોતું.
તો બીજી તરફ સમા સાવલી રોડ પર પણ 12 ફૂટનો મગર રોડ પર આવી જતા જીવ દયા કાર્યકરોએ અઢી કલાકની જહેમત બાદ તેનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોપ્યો હતો. ફતેગઢ નરારી હોસ્પિટલ પાસે આજે સવારે મગર બહાર આવી જતા ફોરેસ્ટ વિભાગની ટીમે તેનું પણ રેસ્ક્યુ કર્યું હતું.