અમદાવાદ,બુધવાર
પૂર્વ વિસ્તારમાં તહેવારોમાં તસ્કરો દ્વારા દિવસ દરમિયાન અનેક સોસાયટીઓની રેકી કરીને મકાનના તાળા તોડીને લાખો રૃપિયાની મતાની ચોરીને અંજામ આપ્યો હતો. ખોખરામાં પરિવારજનો મકાનમાં સૂતા હતા અને તાળા તોડીને અજાણી વ્યક્તિએ રૃા. ૪.૮૮ લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મકાનમાં પ્રવેશીને તિજોરીનુ લોકર તોડીને સોનાની બુટ્ટી, લકી, વીંટી તથા ચાંદીના પાયલની ચોરી કરી, પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી
ખોખરા વિસ્તારમાં રહેતા આધેડે ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૨૩ના રોજ તેઓ તેમના પરિવાર સાથે સગાના મરણ પ્રસંગમાં ગયા હતા તે સમયે તેમના બન્ને બાળકો ઘરે હાજર હતા. તારીખ ૨૪એ રાત્રીના સમયે પરત આવ્યા હતા અને ઘરના દરવાજાને તાળુ મારી સૂઇ ગયા હતા.
દરમિયાન વહેલી સવારે ઉઠયા ત્યારે દરવાજાનો ઝાંપો ખુલ્લો હતો અને મકાનમાં સરસામાન વેર વિખેર હાલતમાં પડેલો હોવાથી ઘરમાં ચોરી થઈ હોવાની શંકા ગઇ હતી મકાનમાં તિજોરીમાં જોયું તો લોકર તૂટેલુ હતું. તેમાંથી સોનાની વીંટી, બુટ્ટી, લકી અને ચાંદીની પાયલ સહિત દાગીના તથા રોકડ મળી કુલ રૃા.૪,૮૮,૦૫૮ની મત્તા ન હતી. જેથી કોઈ અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ખોખરા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.