– બાઈક તોડી નાખવાની અદાવતમાં રવિ આહીરે પર રંગીલાનગર શાકમાર્કેટ પાસે જાહેરમાં શિવા ઉર્ફે બારાપલ્લી અને બે મિત્રોએ માથામાં પથ્થર મારી ચપ્પુ, તલવારથી કાન, હાથ અને પગમાં ત્રણ ઘા કર્યા હતા
સુરત, : સુરતના લીંબાયત રંગીલાનગર શાકમાર્કેટમાં બુધવારે રાત્રે ગોડાદરા ખાતે રહેતા પીક પોકેટર ઉપર બાઈક તોડી નાખવાની અદાવતમાં ત્રણ વ્યક્તિએ સરેઆમ જીવલેણ હુમલો કરી માથામાં પથ્થર મારી ચપ્પુ, તલવારથી કાન, હાથ અને પગમાં ત્રણ ઘા ઝીંકતા તેને સારવાર માટે ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં આજે સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં લીંબાયત પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં ગોડાદરા માનસરોવર ખાતે પ્લોટ નં.480/સી માં પત્ની, માતા અને બાળકો સાથે રહેતો રેલવેનો પીક પોકેટર રવિ વાલ્મીક આહીરે ઉર્ફે ચીરો બુધવારે સાંજે રંગીલાનગર શાકમાર્કેટમાં મિત્રો સાથે બેસવા ગયો હતો.દરમિયાન, રાત્રે 11 વાગ્યાના અરસામાં તેની પાસે હર્ષલ ઉર્ફે દાદુ ( રહે.રંગીલાનગર શાકમાર્કેટ પાસે, લીંબાયત, સુરત ), મનોજ ઉર્ફે સત્તો ( રહે.નવાગામ ડીંડોલી, સુરત ) અને શિવા ઉર્ફે બારાપલ્લી આવ્યા હતા.તે પૈકી હર્ષલ ઉર્ફે દાદુએ રવિને માથામાં પથ્થર માર્યો હતો.જયારે મનોજે ચપ્પુ અને શિવા ઉર્ફે બારાપલ્લીએ તલવારથી રવિને ડાબા કાને, ડાબા હાથે, જમણા પગે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.સરેઆમ હુમલો થતા લોકો એકત્ર થતા ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા.
રવિને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જતા તેના મિત્ર દિપક પવારે રવિની પત્ની પૂનમને જાણ કરતા તે માતા અને સાસુ સાથે ત્યાં દોડી ગઈ હતી.બનાવની જાણ થતા લીંબાયત પોલીસ પણ ત્યાં દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે રવિએ શિવા ઉર્ફે બારાપલ્લીની બાઈક તોડી નાખી હતી.તેની અદાવતમાં તેમણે હુમલો કર્યો હતો.બનાવ અંગે લીંબાયત પોલીસે પૂનમની ફરિયાદના આધારે હર્ષલ ઉર્ફે દાદુ, મનોજ ઉર્ફે સત્તો અને શિવા ઉર્ફે બારાપલ્લી વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.દરમિયાન, સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ રવિ ઉર્ફે ચીરાનું આજે સવારે મોત નીપજતાં લીંબાયત પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી હતી.