– એક્વામેજીકા વોટરપાર્કમાં યુવતીઓના ડાન્સ દરમિયાન એકાએક બે યુવાનો સ્ટેજ પર ચઢી ગયા, સિક્યુરિટી ઓફિસરે સીસીટીવીમાં બંનેને જોતા પકડવા ગયા તો એક ભાગી ગયો
– પકડાયેલા એકની સિક્યુરિટી ઓફિસર પુછપરછ કરતા હતા ત્યારે ટોળાએ ઓફિસર સહિત બે ને માર માર્યો : પુણા પોલીસે 15 યુવાનોને ડિટેઇન કરી પુછપરછ શરૂ કરી
સુરત, : સુરતના મગોબ ડુંભાલ ટ્રાન્સપોર્ટ ગોડાઉનની સામે આવેલા એક્વામેજીકા વોટરપાર્કમાં આજે બપોરના સમયે યુવતીઓના ડાન્સ દરમિયાન બે મુસ્લિમ યુવાને સ્ટેજ પર ચઢી જઈ પેલેન્સ્ટાઈનના ફ્લેગવાળું ટીશર્ટ કાઢીને હવામાં લહેરાવી અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હતા.સિક્યુરિટી ઓફિસરે સીસીટીવીમાં બંનેને જોતા પકડવા ગયા તો એક ભાગી ગયો હતો.પકડાયેલા એકની સિક્યુરિટી ઓફિસર પુછપરછ કરતા હતા ત્યારે ટોળાએ ઓફિસર સહિત બે ને માર માર્યો હતો.બનાવની જાણ થતા પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે 15 યુવાનોને ડિટેઇન કરી પુછપરછ શરૂ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મગોબ ડુંભાલ ટ્રાન્સપોર્ટ ગોડાઉનની સામે આવેલા અને અગાઉ અમેઝીયા તરીકે જાણીતા એક્વામેજીકા વોટરપાર્કમાં આજે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં સ્ટેજ ઉપર પાર્કની યુવતીઓ ડાન્સ કરતી હતી ત્યારે આજે મોટી સંખ્યામાં પાર્કમાં હાજર મુસ્લિમ યુવાનો પૈકી બે યુવાન પ્રતિબંધિત વિસ્તાર સ્ટેજ ઉપર ચઢી ગયા હતા અને ડાન્સ કરતી યુવતીઓ પાસે પહોંચી પોતાનું પેલેન્સ્ટાઈનના ફ્લેગવાળું તેમજ લખાણ વાળું ટીશર્ટ કાઢી હવામાં લહેરાવીને અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હતા.યુવાનોની આ હરકતને પગલે પાર્કમાં હોહા મચી ગઈ હતી.પાર્કના સિક્યુરિટી ઓફિસર મેહુલ દેસાઈએ સીસીટીવીમાં બંને યુવાનોની હરકત જોતા તે ત્યાં દોડી ગયા હતા.જોકે, બે યુવાનો પૈકી એક ભાગી ગયો હતો.
સિક્યુરિટી ઓફિસરે અન્ય યુવાનને પકડી તેની પુછપરછ કરતા તે યુવાનની સાથેના આઠથી દશ યુવાનોએ નજીકમાંથી ફાયર સેફટીની પ્લાસ્ટિકની ડોલ લઈ સિક્યુરિટી ઓફિસર મેહુલ દેસાઈના માથામાં મારી હતી.જયારે તેમના સાથી કર્મચારીને હાથમાં ઈજા પહોંચાડી હતી. બનાવની જાણ થતા પુણા પોલીસ આજુબાજુના પોલીસ મથકના સ્ટાફની મદદ મેળવી ત્યાં દોડી ગઈ હતી અને સ્થિતિ કાબુમાં લઈ ઉત્પાત મચાવનાર 15 જેટલા યુવાનોને સીસીટીવી ફૂટેજના આધારે ડિટેઇન કર્યા હતા અને તમામને પોલીસ સ્ટેશન લાવી હાલ તેમની પુછપરછ કરી રહી છે.બનાવ અંગે સિક્યુરિટી ઓફિસરે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સ્ટેશન કેમ્પસમાં બે યુવાનોએ સેકન્ડ પીઆઈ સાથે પણ ઝપાઝપી કરી
સુરત, : ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા કોસંબા, ગોધરા, ઓલપાડ, બારડોલી, ભરૂચના યુવાનોના સમર્થનમાં પણ લોકો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.પોલીસ સ્ટેશન કેમ્પસમાં હાજર બે યુવાનો પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી રહ્યા હોય સેકન્ડ પીઆઈએ તેમને ફોન મુકવા કહેતા બંને યુવાનોએ તેમની સાથે ઝપાઝપી કરી હોવાનું જાણવા મળ્યું છે.