FRC Protest Vadodara : વડોદરા સહિત સાત જિલ્લાઓની ફી નક્કી કરવા માટેની ફી રેગ્યુલેશન કમિટિની સરકાર દ્વારા થઈ રહેલી ઉપેક્ષા સામે આજે વાલી મંડળે અનોખી રીતે વિરોધ વ્યકત કર્યો હતો.
વાલી મંડળે કલેકટર કચેરી ખાતે દેખાવો કર્યા હતા અને એફઆરસીને શ્રધ્ધાંજલિ આપી હતી. વાલી મંડળનુ કહેવુ હતુ કે, સરકારે એફઆરસીમાં ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂંક નહી કરીને તેને મૃતપાય કરી નાંખી છે.
કલેકટર કચેરીમાં આવેલા આવેદનપત્રમાં વાલી મંડળે કહ્યુ હતુ કે, એફઆરસીમાં ત્રણ જગ્યાઓ છેલ્લા આઠ મહિનાથી ખાલી છે. સરકારે આ જગ્યાઓ પર નિમણૂંક નહીં કરીને ખાનગી સ્કૂલોને મન ફાવે તેવી ફી વસૂલવાનો જાણે પરવાનો આપી દીધો છે. આચાર સંહિતા લાગુ થઈ જવાના કારણે હવે આ જગ્યાઓ જુલાઈ મહિના પહેલા નહીં ભરાય. બીજી તરફ સ્કૂલો મનફાવે તે રીતે ફી વસૂલી રહી છે અને તેના કારણે વાલીઓ લૂંટાઈ રહ્યા છે.
વાલી મંડળે માંગ કરી હતી કે, સ્કૂલોની ફી નક્કી કરવાની કાર્યવાહી માટે એફઆરસીમાં સભ્યોની નિમણૂંક કરવામાં આવે અથવા તો સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પ્રમાણે નવી ફી નક્કી ના થાય ત્યાં સુધી સ્કૂલોને એફઆરસીએ નક્કી કરેલી છેલ્લી ફી લેવા માટે આદેશ આપવામાં આવે.