Maldives India Controversy: ત્રણ મહિના પહેલા જ માલદીવ ભારતને આંખો બતાવી રહ્યું હતું જયારે આજે તે ઘૂંટણિયે આવી ગયું છે. જેથી હવે તે ભારત પાસે જ મદદ માંગી રહ્યું છે. ભારત અને માલદીવ વચ્ચેના વિવાદ બાદ માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા નહિવત થઈ ગઈ છે. જેથી હવે માલદીવ આર્થિક નુકસાન વેઠી રહ્યું છે. જેથી હવે માલદીવ ફરીથી ભારતીય પ્રવાસીઓને આમંત્રિત કરવા માટે ભારત પાસેથી જ મદદ માંગી રહ્યું છે. તે માટે માલદીવની એક મોટી ટૂરિઝમ કંપનીએ ભારતીય પર્યટકોને રીઝવવા માટે ભારતના મોટા શહેરોમાં રોડ શો કરવાનો નિર્ણય લીધો છે.
MATATO શરુ કરી રોડ શોની તૈયારી
માલદીવની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પર્યટન પર જ છે. મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં વેકેશન માણવા માટે જતા હતા. પરંતુ રાષ્ટ્રપતિ મુઈજ્જુએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ‘India Out’નો નારો આપ્યો હતો. ત્યારબાદ બંને દેશોના સંબંધ બગડ્યા હતા. એવામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડા વચ્ચે માલદીવ એસોસિયેશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ (MATATO) ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યુ છે. હવે આ સંગઠન બંને દેશો વચ્ચે પ્રવાસ અને પર્યટન સહયોગ વધારવા માટે ભારતીય હાઈ કમિશન સાથે ચર્ચા કરવા પહોંચ્યું છે.
PMના ટ્વિટ બાદ માલદીવની મુશ્કેલીઓ વધી ગઈ છે
6 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું હતું. જેમાં પીએમ મોદીએ લક્ષદ્વીપ ટાપુની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. આ પછી માલદીવના ત્રણ અધિકારીઓ દ્વારા સોશિયલ મીડિયા પર પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતમાં માલદીવનો વિરોધ શરૂ થયો. આ વિવાદને કારણે અનેક સેલિબ્રિટીઓ સહિત સેંકડો ભારતીયોએ માલદીવની યાત્રાઓ રદ કરી દીધી હતી.
માલદીવમાં ભારતીય પ્રવાસીઓની હતી ભીડ
માલદીવમાં ભારતીય પ્રવાસીઓની ભારે ભીડ હતી. આંકડા દર્શાવે છે કે અગાઉ માલદીવ આવતા ભારતીય પ્રવાસીઓની સંખ્યા ટોચ પર હતી જે હવે છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. માલદીવના પર્યટન મંત્રાલયના ડેટા અનુસાર, આ વર્ષે 10 એપ્રિલ સુધી માલદીવની મુલાકાતે આવેલા કુલ 6,63,269 પ્રવાસીઓમાંથી સૌથી વધુ 71,995 પ્રવાસીઓ ચીનના હતા. જ્યારે આ પછી બ્રિટન, રશિયા, ઈટાલી, જર્મની અને ભારતને સ્થાન મળ્યું છે.