Shravan Special : પવિત્ર શ્રાવણ માસને લઈ ધર્મનગરી જામનગરમાં જોરદાર ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. છોટિકાશીના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસના બીજા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જુદા જુદા મંદિરોમાં અનેરા શણગાર કરવામાં આવ્યા હતા. જેના દર્શન અર્થે ભક્તોએ મોડી રાત સુધી મંદિરમાં કતારો લગાવી હતી.
પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ શ્રી ઇચ્છેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવના કૈલાશ સ્વરૂપ દર્શન યોજાયા હતાં. જેના અલોકિક દર્શનનો લાભ લઈ મોટી સંખ્યામાં ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
તેજ રીતે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ અવસરે મંદિરમાં બાબા બર્ફાની (અમરનાથ)ના આબેહૂબ દર્શન યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા.
આ ઉપરાંત ખીમા મામા યુવક મિત્ર મંડળ દ્વારા ધનબાઈના ડેલા પાસે ચારણ ફળીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં 35 કિલોના કલરિંગ ચોખાનો જોરદાર શણગાર કરવામાં આવ્યો હતો. તેજ રીતે જામનગરમાં આવેલ વિશ્વ વિખ્યાત અને અનોખા મંદિર કાશી વિશ્વનાથ મહાદેવને પણ અમરનાથના અલૌકિક શણગાર કરવામાં આવ્યા હતા.