Anshuman Gaekwad Funeral: ધ ગ્રેટ વોલ તરીકે ઓળખાતા ભારતીય ક્રિકેટ ટીમના અને કોચ અંશુમન દત્તાજીરાવ ગાયકવાડનું વડોદરા ખાતે બુધવારે રાત્રે નિધન થયું હતું. આજે સવારે સેવાસી ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી અને રાજવી પરિવારના સ્મશાન કીર્તિ મંદિર ખાતે તેની અંતિમવિધિ હાલમાં શરૂ થઈ છે.
અંશુમનના સાથી પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પ્રેસિડેન્ટ રોજર બિન્ની ઉપરાંત અંશુમનના અન્ય સાથી ખેલાડીઓ એવા પૂર્વ ક્રિકેટરો કિરણ મોરે, નયન મોંગીયા, અતુલ બેદાડેએ ચિતા ઉપર લાકડા મૂકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અંતિમયાત્રામાં ઇરફાન અને યુસુફ પઠાણના પિતાએ પણ હાજરી આપી હતી.
આશ્વર્યની વાત એ છે કે આ મહાન ક્રિકેટરની અંતિમયાત્રામાં એક પણ વર્તમાન ક્રિકેટર જોડાયો નથી. વડોદરાથી માત્ર બે કલાકની હવાઈ મુસાફરીના અંતરે રહેતા સ્ટાર ક્રિકેટરોમાંથી એક પણ ક્રિકેટર આજે અંશુમાન ગાયકવાડને શ્રદ્ધાંજલિ આપવા તેમની અંતિમયાત્રામાં સામેલ થયો ન હતો.
તમને જણાવી દઇએ કે 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પણ અંશુમન ગાયકવાડ માટે આર્થિક મદદ માટે હાથ આગળ વધાર્યો હતો. મોહિંદર અમરનાથ, સુનિલ ગાવસ્કર, સંદીપ પાટીલ, દિલીપ વેંગસરકર, મદનલાલ, રવિ શાસ્ત્રી અને કીર્તિ આઝાદ જેવા પૂર્વ ક્રિકેટ દિગ્ગજોએ સાથે મળીને કપિલ દેવે પોતાના બિમાર સાથીની મદદ માટે પૈસા ભેગા કરવાની દિશામાં કામ કર્યું હતું.
અંશુમન ગાયકવાડે 1997 થી 2000 દરમિયાન બે વખત ભારતીય ટીમના મુખ્ય કોચના રૂપમાં પણ કામ કર્યું હતું. તેમના કોચિંગમાં ભારત 2000 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉપવિજેતા પણ રહી હતી. જ્યારે તે કોચ હતા, ત્યારે અનિલ કુંબલેએ નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ટેસ્ટ ઇનિંગમાં 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ગાયકવાડે 1990 ના દાયકમાં નેશનલ સિલેક્ટર્સ અને ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના અધ્યક્ષના રૂપમાં પણ કામ કર્યું હતું. નોંધનીય છે કે જૂન 2018માં BCCIએ તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડથી સન્માનિત કર્યા હતા.
12 વર્ષના કેરિયરમાં ગાયકવાડે 40 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 30ની એવરેજની મદદથી 1985 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 2 સદી અને 10 ફીફ્ટી ફટકારી હતી. તેમણે 15 વન ડેમાં 289 રન બનાવ્યા હતા. 1983 માં જલંધરમાં પાકિસ્તાન વિરૂદ્ધ 201 રનનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો હતો.