Ahmedabad: સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં ઠેરઠેર ટ્રાફિકના નિયમનો ભંગ થતો પકડવા માટે કેમેરા લગાવેલા છે, પરંતુ તેનાથી માત્ર વાહનોની અવરજવર જ જોઈ શકાય છે, વાહને નિયમનો ભંગ કર્યો કે નહિ તે તો વાહનોની અવરજવરને ઓફિસમાં બેઠાં બેઠાં કોમ્પ્યુટર પર નિહાળી રહેલા સ્ટાફના સભ્યો કોમ્પ્યુટર પર દેખાતા વાહનોની અવરજવરમાંથી કેટલાક ફોટો ક્લિક કરીને તે વાહનને ટ્રાફિક સિગ્નલ જંપ કરવા બદલ દંડને પાત્ર ઠેરવી દે છે. આ સિસ્ટમમાં સંખ્યાબંધ ભૂલ થઈ રહી છે. 

સિગ્નલ જંપ કર્યો કે નહિ તે નક્કી કરવા માટે રેકોર્ડિંગ થવું જોઈએ

વાસ્તવમાં વાહન ચાલકે સિગ્નલ જંપ કર્યો કે નહિ તે નક્કી કરવા માટે સીસીટીવી કેમેરા પર તેનું રેકોર્ડિંગ થવું જોઈએ અને ચલણને પાત્ર બનેલા વાહને સિગ્નલ ક્રોસ કર્યો કે નિયમ ભંગ કરીને સિગ્નલ રેડ હોવા છતાં જંપ કર્યો છે કે નહિ તે નક્કી થવું જોઈએ. આ રીતે સિગ્નલ જંપ કર્યાનું નક્કી થાય તે પછી જ તેનું દંડનું ચલણ બનવું જોઈએ. 

આ સિસ્ટમ ફોલો કરવાને બદલે ગ્રીન સિગ્નલ થવાને ત્રણ સેકન્ડ બાકી હોય ત્યારે સિગ્નલ ક્રોસ કરી લીધા બાદ તે સામેના છેડે પહોંચે તે પહેલા જ રેડ સિગ્નલ પડી જાય તો તેવા સંજોગોમાં મેન્યુઅલ સ્ટાફ તેનો ફોટો પાડી લઈને તેને સિગ્નલ ભંગ તરીકે દર્શાવે છે. 

રિયલ ટાઈમ ડેટા મળતો નથી

કોમ્પ્યુર પર વાહનની મુવમેન્ટને નિહાળનાર વ્યક્તિ તે મોટર કે સ્કૂટર કે અન્ય કોઈ વાહનનો ફોટો કોમ્પ્યુટર બેઠાં બેઠા જ ક્લિક કરી લેતા હોવાથી રિયલ ટાઈમ ડેટા મળતો નથી. ખરેખર સિગ્નલ જંપ ન કર્યો હોવા છતાં સિગ્નલ જંપ કર્યો હોવાનો નિર્દેશ મળે છે. આ રીતે માથે રૂ. 1000નો દંડનો ચાંદલો ચોંટાડી દે છે. ઓટોમેટિક રેકોર્ડિંગ કરીને રિયલ ટાઈમ ડેટા આપતી સિસ્ટમ જ ન હોવાથી ખોટા ચલણ બની રહ્યા છે અને નિર્દોષ વાહન ચાલકો દંડાઈ રહ્યા છે.

આ પણ વાંચો: તોતિંગ વધારા સાથે કોલેજોનું 3 વર્ષનું નવું ફી માળખુ જાહેર, જાણો કેટલો થયો વધારો

અમદાવાદમાં વાહનોના વીડિયો રેકોર્ડિંગની સિસ્ટમ જ નથી

આમ વાહનોની અવરજવર જોઈને ટ્રાફિકના નિયમનો ભંગ કરવાનુ મેન્યુઅલી ફોટો લઈને દર્શાવતી આ સિસ્ટમ જ સાચી વિગતો આપતું નથી. નિયમ ભંગ થયો હોવાનું દર્શાવવા માટે વાહને સિગ્નલ ક્રોસ કર્યો ત્યારે ગ્રીન લાઈટ હતી કે રેડ લાઈટ હતી તેનો વીડિયો બતાવવો જોઈએ.

અમદાવાદમાં વીડિયો મોકલવાની વાત બાજુએ રહી, વીડિયો રેકોર્ડિંગનો ડેટા જ નથી. ઓફિસની અંદર બેઠાં બેઠાં ટ્રાફિકની અવર જવર જોઈ રહેલા સ્ટાફને લાગે કે નિયમ ભંગ થયો છે તે ફોટો પાડીને નિયમ ભંગનું ચલણ બનાવી દે છે અને દંડ વસૂલે છે. 

20 કેમેરામાંથી માંડ ચારથી પાંચ કેમેરા જ ચાલુ હોય છે 

બીજું, સીસીટીવી કેમેરા મૂકવા પાછળનો ઇરાદો ક્રાઈમ ડિટેક્શનનો પણ હતો. આ હેતુ કેટલો બર આવ્યો છે તે પણ એક મોટો સવાલ છે. ત્રીજું, ટ્રાફિક જંક્શન પર લાગેલા 20-20 કેમેરામાંથી માંડ ચારથી પાંચ કેમેરા જ ચાલુ છે. તેથી પણ સિગ્નલ જંપ કરનારા ખરા ગુનેગાર પકડાતા નથી. આ ટ્રાફિક જંક્શનના કેમેરાનો ઉપયોગ માત્ર ચલણ ફાડવા માટેના ઉઘરાણી કાઉન્ટર તરીકે જ કરવામાં આવી રહ્યો છે. 

ઇન્ટરનેટ હેન્ગ થઈ જાય તો ટ્રાફિકનું મોનિટરિંગ થતું જ નથી

પરંતુ ઇન્ટરનેટ આધારિત કેમેરા સિસ્ટમની બેન્ડવિડ્‌થ 20 ગીગાબાઈટને બદલે અંદાજે માત્ર 5થી 7 ગીગાબાઈટની હોવાથી તેને પોઝ કરીને લેવાતા ફોટા પણ રિયલ ટાઈમના આવતા નથી. તેને કારણે ટ્રાફિક સિગ્નલ ખરેખર તોડનાર તેમની નજરમાંથી છટકી જાય છે. બહુધા કેસમાં વાહનના પાછળની તરફથી ફોટામાં વાહનનો નંબર અને રેડ સિગ્નલ બતાવે છે. તેનું કારણ પણ આ જ હોવાનું નિષ્ણાતો જણાવે છે. 

બીજુ ગ્રીનમાંથી યલો સિગ્નલ થયા પછી પાંચ સેકન્ડ બફરની આપવામાં આવે છે. આ બફર સેકન્ડ 15 કરી દેવી જોઈએ. તેમ થાય તો જ ગ્રીન સિગ્નલની ત્રણ સેકન્ડ બાકી હોય ત્યારે નીકળેલો વાહન ચાલક સામી તરફ નીકળી શકે છે. આ વાતને કોમ્પ્યુટર પર ટ્રાફિક નિયમન પર નજર રાખી ચલણ બનાવનારા સભ્યો પણ આ હકીકતને સ્વીકારે છે.   

આ વર્ષે રથયાત્ર દરમિયાન ચારથી પાંચ કલાક મોનિટરિંગ સાવ જ અટકી ગયું હતું. ટ્રાફિક મોનિટરિંગ માટેનું ઇન્ટરનેટ ફાઈબરનેટનું નથી, પણ ઇથરનેટનું હોવાથી તેની કાર્યક્ષમતા ઓછી છે. 2017માં સીસી ટીવી કેમેરા ટ્રાફિક સિગ્નલ પર લગાડ્યા ત્યારથી આજ સુધીમાં તેને બદલ્યા ન હોવાથી આખી સિસ્ટમ ઓબ્સોલિટ થઈ ગઈ છે. તેમાાં સિગ્નલ ભંગ ઓટોમેટિક રેકોર્ડ થઈને પેનલ્ટીના ચલણ બનતા જ નથી. 

આ પણ વાંચો: ભાજપના પૂર્વ કોર્પોરેટરને કડવો અનુભવ, ઓર્ડર કરેલા પિત્ઝા અને સોસમાંથી જીવાત મળી આવી

જોઈન્ટ કમિશનર ટ્રાફિક એન.એન. ચૌધરી શું કહે છે

કોઈ વાહન ચાલક ગ્રીન સિગ્નલ પડવાને 3 સેકન્ડ બાકી હોય અને ક્રોસ કરી જાય અને સામે ન પહોંચી શકે તો તેને સિગ્નલ જંપ કર્યો હોવાનું કહેવાય કે નહિ તેવા સવાલના જવાબમાં જોઈન્ટ કમિશનર એન.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યારે અમારી પાસે ટ્રાફિક નિયમન માટે ફોટોની સિસ્ટમ છે. તેની મદદથી અમે રેડ સિગ્નલ જંપ કર્યાનું નક્કી કરીએ છીએ. તેમાં તમને કોઈ ક્ષતિ દેખાતી હોય તો તમારું સૂચન મોકલી શકો છો. અમે તને એનઆઈસી સમક્ષ મોકલી આપીશું. હા, અમારી પાસે વીડિયો રેકોર્ડિંગની સિસ્ટમ નથી. તેને માટે બહુ મોટો ખર્ચ કરવો પડે તેમ છે. સમગ્ર સિસ્ટમને નવેસરથી તૈયાર કરવી પડી શકે છે.

હવે ચલણ ન ભરનારાઓનો કેસ ફિઝિકલ કોર્ટમાં જશે

સિગ્નલ જંપ કરનારાઓને હવે અમે ચલણ મોકલી આપીશું. ચલણ મોકલ્યા પછી તેઓ તે જમા ન કરાવે તો તેમના કેસ વર્ચ્યુઅલ કોર્ટમાં મોકલી આપવામાં આવશે. તેમાં પણ ચલણની રકમ જમા નહિ થાય તો તેવા કિસ્સાઓમાં તેમનો કેસ ફિઝિકલ કોર્ટમાં મોકલી આપવામાં આવશે, એમ જોઈન્ટ કમિશનર ટ્રાફિક એન.એમ. ચૌધરી કહે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *