Farmers Use Pesticides In Gujarat: એક તરફ ગુજરાતમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે, તેવો સરકાર દાવો કરી રહી છે. જ્યારે બીજી તરફ, ખુદ કેન્દ્ર સરકારે જ ખુલાસો કર્યો છે કે, ગુજરાતના ખેડૂતો ખેતી માટે કેમિક્લયુક્ત જંતુનાશક દવાનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યાં છે. દર વર્ષે ગુજરાતમાં સરેરાશ 1800 મેટ્રિક ટન કેમિક્લયુક્ત જંતુનાશક દવાનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. ઝેરી જંતુનાશક દવાથી ઉત્પાદિત અનાજ-ખાદ્યપેદાશો લોકો સ્વાસ્થય માટે જોખમી બની રહી છે. તેમ છતાંય ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ઢળી શક્યા નથી.
ઝેરી જંતુનાશક દવાથી ઉત્પાદિત ખાદ્યપેદાશો સ્વાસ્થય માટે જોખમી
ખેતરોમાં જીવજંતુથી પાકને બચાવવા માટે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને કપાસ, મગફળી અને ડાંગર જેવા પાકોમાં જંતુનાશક દવાનો વધુ પ્રમાણમાં ઉપયો થાય છે. એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં પ્રતિ હેક્ટર 331 ગ્રામ કેમિકલયુક્ત જંતુનાશક દવાનો ઉપયોગ થઇ રહ્યો છે.
પાકને કીટનાશકોથી બચાવવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરાય છે. પરંતુ તેની લોકો સ્વાસ્થય પર ગંભીર અસર થઇ રહી છે. ઝેરી જંતુનાશક દવાના ઉપયોગથી ઉત્પાદિત અનાજ-ખાદ્યપદાર્થને કારણે કેન્સર જેવી ગંભીર બિમારીને નોતરુ મળી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 લોકસભા બેઠકોમાં EVMના મતમાં તફાવત, ADR રિપોર્ટમાં ખુલાસો, EC શંકાના ઘેરામાં
આ રાજ્યમાં જંતુનાશક દવાનો સૌથી વઘુ વપરાશ
રાજ્ય સરકારના દાવા વચ્ચે હજુય ખેડૂતો જૈવિક જંતુનાશક દવાનો ઉપયોગ કરવાનુ ટાળી રહ્યા છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ 2021-22માં 1839 મેટ્રિક ટન, વર્ષ 2022-23માં 1747 મેટ્રિક ટન અને વર્ષ 2023-24માં 1835 મેટ્રિક ટન કેમિકલયુક્ત જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહત્ત્વની વાત એછે કે, બિહાર, ગોવા, મઘ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરાલા, ઝારખંડ અને ઉતરાખંડની સરખામણીમાં ગુજરાતમાં કેમિકલયુક્ત જંતુનાશક દવાનો ચિંતાજનક હદે ઉપયોગ થઇ રહ્યો છે.જો કે, પંજાબ, મહારાષ્ટ્ર, યુપી, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં જંતુનાશક દવાનો સૌથી વઘુ વપરાશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2021-22માં 392 ટન, વર્ષ 2022-23માં 548 ટન અને વર્ષ 2023-24માં 578 ટન જૈવિક જંતુનાશક દવાનો વપરાશ થયો છે. કેમિકલયુક્ત જંતુનાશક દવાનો વ્યાપકપણે ઉપયોગ થઇ રહ્યો છે. કેમિકલયુક્ત જંતુનાશક દવાની સરખામણીમાં જૈવિક જંતુનાશક દવાનો ઉપયોગ સરવાળે ઓછો થઈ રહ્યો છે.