ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાને કારણે 

બેડી નજીક ગુજસીટોકમાં જામીન પર છૂટેલા ભીસ્તીવાડના નામચીન એજાઝ ઉર્ફે ટકાની ઘોડીપાસાની ક્લબ પર દરોડો, આઠ ઝડપાાયા

રાજકોટ: રાજકોટ નજીકના બેડી ગામથી હડમતિયા જવાના રસ્તા પર ફાટક પછી વાડીવાળા પીરની દરગાહ પાસે સરકારી ખરાબામાં ધમધમતી ઘોડીપાસાની ક્લબ પર ગઇકાલે મોડી સાંજે એલસીબી ઝોન-૧ના સ્ટાફે દરોડો પાડી ૮ શખ્સોને ઝડપી લીધા હતા. આ ૮ શખ્સોમાંથી ૭ શખ્સો ગુનાઇત ઇતિહાસ ધરાવતા હોવાથી ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાની કલમ પણ પોલીસે લગાડી હતી. જેને કારણે જુગારના કેસમાં પ્રથમ વખત આઠેય આરોપીઓને અદાલતે જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. ઘોડીપાસાની આ ક્લબ ગુજસીટોકમાં જામીન પર છૂટેલો ભીસ્તીવાડનો નામચીન એજાઝ ઉર્ફે ટકો અકબર ખીયાણી ચલાવતો હતો. 

એલસીબી ઝોન-૧ના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ બી.વી. બોરીસાગરે ગઇકાલે સાંજે આ ઘોડીપાસાની ક્લબ પર દરોડો પાડતાં નાસભાગ મચી હતી. જે દરમિયાન ભગવતીપરાનો જુમ્મો ઠેબાપોત્રા, અનિલ વેલજી ચૌહાણ અને ભગવતીપરાનો જ જાવેદ ઉર્ફે પાઇદુ હુશેન કુરેશી ભાગી જવામાં સફળ થતાં આ ત્રણેયને વોન્ટેડ દર્શાવી પોલીસે શોધખોળ શરૂ કરી છે.

સ્થળ પરથી ક્લબ સંચાલક એજાઝ ઉર્ફે ટકો (ઉ.વ.૪૪, રહે. ભીસ્તીવાડ), હાજી ઇસ્માઇલ જુણેજા (ઉ.વ.૪૨, રહે. ખોડીયારપરા શેરી નં.૫, ૮૦ ફૂટ રોડ), સદ્દામ ઉર્ફે ઇમુ હુશેનભાઈ શેખ (ઉ.વ.૩૨, રહે. ભગવતીપરા, સુખસાગર હોલની પાછળ), યુસુફ ઉર્ફે બકરો હબીબ ઠેબા (ઉ.વ.૪૮, રહે. મોચીનગર-૨, શેરી નં.૨, શીતલપાર્ક), મહેબુબ અલ્લારખા અજમેરી (ઉ.વ.૪૨, રહે. મેરામબાપાની વાડી શેરી નં. ૩), ઇમ્તીયાઝ ઉર્ફે ઠુઠો અલ્લારખા (ઉ.વ.૩૦, રહે. રૂખડીયાપરા શેરી નં.૨), પરેશ રમેશભાઈ ઝાલા (ઉ.વ.૩૦, રહે. વીરમાયા સોસાયટી શેરી નં.૨, મોટી ટાંકી ચોક) અને તુષાર રમેશભાઈ લીડિયા (ઉ.વ.૪૩, રહે. વૈશાલીનગર-૩ મફતીયાપરા, રૈયા રોડ) ઝડપાઇ ગયા હતા.

પટ્ટમાં અને આરોપીઓ પાસેથી એલસીબીના સ્ટાફે રૂા. ૨૫,૮૦૦ રોકડા, ૯ મોબાઈલ ફોન અને ૭ ટુ વ્હીલર મળી કુલ રૂા. ૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા આઠ આરોપીમાંથી સાત ગુનાઇત ઇતિહાસ ધરાવે છે.જેને કારણે એલસીબીના સ્ટાફે જુગારધારાની કલમ ૧૨ સાથે નવા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૨ (૨) પણ લગાડી હતી. જે કલમ વારંવાર ક્ષુલ્લક સંગઠિત ગુના કરે તેના વિરૂધ્ધ લગાડવામાં આવે છે. 

આ કલમને કારણે પોલીસ આરોપીઓને જામીન પર છોડી શકતી નથી. જેને કારણે એલસીબીના સ્ટાફે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૨ (૨)માં ૧ વર્ષથી લઇ ૭ વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. એલીસીબીના સ્ટાફે જણાવ્યું કે આરોપીઓની પૂછપરછમાં બારેક દિવસથી આ જુગારની ક્લબ શરૂ થયાની માહિતી મળી છે. 

ક્લબ સંચાલક એજાઝ ઉર્ફે ટકા વિરૂધ્ધ ગુજસીટોક સહિત ૧૫ ગુના

રાજકોટ: ક્લબ સંચાલક એજાઝ વિરૂધ્ધ જુગારધારા, લૂંટ, મારામારી અને ગુજસીટોક સહિતના ૧૫ ગુના નોંધાયા છે. બીજા આરોપી હાજી ઇસ્માઇલ વિરૂધ્ધ જુગારધારાના ૧૩ ગુના રાજકોટ, જેતપુર, ધોરાજી, ચોટીલા, ગોંડલ વગેરે સ્થળે નોંધાયા છે. ત્રીજા આરોપી યુસુફ સામે જુગારધારાનો, ચોથા આરોપી મહેબૂબ સામે પ્રોહીબીશનનો, આરોપી ઇમ્તીયાઝ સામે પ્રોહીબીશન, લૂંટ, મારામારી સહિત ૫, આરોપી પરેશ સામે જુગારધારા, મારામારી સહિત ૬ અને આરોપી તુષાર સામે પ્રોહીબીશન અને જાહેરનામા ભંગ સહિત ૩ ગુના નોંધાયા છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *