Ubhrat Beach Navsari :  નવસારીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની સરકારની મોટી જાહેરાત વચ્ચે છેલ્લા એક અઠવાડિયામાં જલાલપોર તાલુકાના ઉંભરાટ દરિયા કિનારાની દસ ફૂટ જમીન  દરિયાના તોફાની મોજા અને મોટી ભરતી સમુદ્રમાં ગરક થઈ જતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  ગ્રામજનો દ્વારા વર્ષોથી ઉંભરાટમાં દરિયા કિનારે 2 કિલોમીટર લાંબી પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ તેમની આ માંગ સંતોષવામાં ન આવતા છેલ્લા 5 વર્ષમાં દરિયા કિનારાની 500 મીટર જમીન દરિયો ગળી ગયો હોવાથી ગ્રામજને દહેશત છે કે ક્યાં ઉંભરાટ ગામ દરિયામાં ન સમાઇ જાય.  

ઉંભરાટના વિકાસ માટે ગુજરાત સરકારની માત્ર મસમોટી જાહેરાતો

ગુજરાત સરકાર દ્વારા નવસારીના દરિયાઈ પ્રવાસન સ્થળ તરીકે ઉંભરાટ ગામને વિકસાવવા માટે વર્ષો અગાઉ મસમોટી જાહેરાત કરવામાં આવી હતી. જલાલપોર તાલુકાના મરોલી કાંઠા વિસ્તારના જાણીતા ઉંભરાટ ગામના દરિયા કિનારાને પ્રવાસન સ્થળ તરીકે પાયાની સુવિધાઓ સાથે વિકસાવવા માટે સરકાર દ્વારા જાહેરાત થતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગતી વ્યાપી ગઈ હતી.

અંદાજે 2000ની વસ્તી ધરાવતા ઉંભરાટ ગામમાં પીવાના પાણી સહિતની પાયાની સુવિધાઓ સાથે ઉંભરાટ દરિયા કિનારાને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટેની જાહેરાતો કરતાં ગ્રામજનોમાં આનંદ વ્યાપી ગયો હતો. અને મોદી સરકારને ઉંભરાટ ગ્રામના પ્રજાજનોએ ખોબેખોબા ભરીને મતો આપી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા લોકસભામાં ભાજપને મતો આપી મોદી સરકારને મજબૂત બનાવી હતી. 

પરંતુ સરકારની આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી હોઇ તેમ ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ દરિયાઈ સપાટીમાં ચિંતાજનક રીતે થઈ રહેલો વધારો વચ્ચે છેલ્લા પાંચ સાત વર્ષમાં દરિયાના તોફાની મોજા અને મોટી ભરતીની જોરદાર થપાટ વચ્ચે અંદાજે 500 મીટર જમીન દરિયામાં સમાય ગઈ છે. એટલુ જ નહિ પરંતુ દરિયામાં ઉંભરાટ ગામની સ્મશાનભૂમિ ધોવાય જતા ઉંભરાટ ગામના રહીશોના અસ્થિઓ બહાર નીકળી દરિયામાં વહી જતાં લોકોમાં ભારે રોષ જોવા મળે છે. 

રજૂઆતો કરવા છતાં ઉંભરાટ અને દાતી ગામે પ્રોટેક્શન વોલ નહિ બનાવતા રોષ

જેઠ અને અષાઢ મહિનાની મોટી ભરતી અને દરિયાના તોફાની મોજાથી ઉંભરાટ અને દાંતી ગામના દરિયા કિનારાનું ધોવાણથી ગ્રામજનોના જીવ પડીકે બંધાયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં ઉંભરાટ અને દાતી ગામે દરિયાઈ પ્રોટેક્શન વોલ નહિ બનાવવામાં આવતા ગામ નજીક ના ભવિષ્યમાં દરિયામાં સમાય જવાની ભીતિ સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

હાલમાં છેલ્લા એક સપ્તાહમાં દરિયાની મોટી ભરતી અને તોફાની મોજાની ઝપેટમાં અંદાજે 10 ફૂટ જેટલા કિનારાનું ધોવાણ થતાં દરિયો 10 ફૂટ ગામ વસાહત સુધી આગળ ધસી આવતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. અને ચોમાસામાં મોટી ભરતી અને તોફાની મોજા હાઈ ટાઇડની ભીતિથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પ્રોટેક્શન વોલની માંગણી વધુ ઉગ્ર બની છે. 

એટલું જ નહિ પરંતુ ઉંભરાટ ગામના માજી સરપંચ અને હાલમાં જલાલપોર તાલુકા પંચાયતના ભાજપના બોરસી બેઠકના સભ્ય નિલેશભાઇ રમણભાઈ પટેલ દ્વારા ઉંભરાટ ગામના દરિયા કિનારે 2 કિલોમીટર લાંબી દરિયાઈ પ્રોટેક્શન વોલ બનવવામાં આવે તેવો ગ્રામજનો સાથે મળી વારંવાર લેખિત મોખીક જિલ્લા કલેક્ટર અને રાજ્યના મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરી હતી. 

પરંતુ આજ દિન સુધીમાં કોઈ પ્રોટેક્શન વોલ નહિ બનાવવામાં આવતા હાલ છેલ્લા એક સપ્તાહમાં જ દરિયો 10 ફૂટ ગામ તરફ આગળ વધતા લોકોના જીવ પડીકે બંધાયા છે. ત્યારે નવસારી જિલ્લા કલેક્ટર, જિલ્લા ડ્રેનેજ વિભાગ અને રાજ્ય સરકાર ઉંભરાટ ગામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પેહલા પ્રોટેક્શન વોલ બનાવી ગામજનોને ભય મુક્ત કરે તેવી માંગણી ઉઠી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *