Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં નમાઝ પઢવા અંગે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી બબાલ બાદ હવે 7 અફઘાની વિદ્યાર્થીઓને હોસ્ટેલ રૂમ ખાલી કરવા આદેશ કરાયો છે. અધિકારીઓએ આ મામલે કહ્યું કે તેમાં 5 વિદ્યાર્થીઓ હોસ્ટેલ ખાલી કરી ચૂક્યા છે.
શું હતો મામલો…?
ઉલ્લેખનીય છે કે ગત મહિને જ અમુક વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલના કેમ્પસમાં નમાઝ પઢવા મામલે બબાલ થયો હતો. આ દરમિયાન 20-25 લોકોના ટોળાએ તેમની સાથે મારપીટ કરી તોડફોડ મચાવી હતી. પોલીસે આ મામલે 25થી વધુ લોકો સામે એફઆઈઆર નોંધી હતી. આ મામલો વિદેશ મંત્રાલય સુધી પહોંચી ગયો હતો જેના બાદ અફઘાનિસ્તાનના એક પ્રતિનિધિમંડળે યુનિવર્સિટીના કેમ્પસની મુલાકાત પણ લીધી હતી.
નિયમ શું કહે છે…?
જે વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે તેઓએ કાં તો તેમનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે અથવા તો માત્ર કેટલીક ઔપચારિકતાઓ બાકી છે જેના માટે હોસ્ટેલમાં રહેવું જરૂરી નથી. યુનિવર્સિટીના નિયમો મુજબ, વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો થયા પછી હોસ્ટેલની સુવિધાઓનો ઉપયોગ કરી શકતા નથી. જે 7 વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે તે તમામ આ કેટેગરીમાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં 180 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ છે.
ઘણા વિદ્યાર્થીઓ બિનજરૂરી રીતે હોસ્ટેલમાં રહે છે
યુનિવર્સિટી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓ, તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ કોઈને કોઈ કારણસર હોસ્ટેલમાં રહી રહ્યા છે. આવા કિસ્સાઓને જોતા યુનિવર્સિટી તેની સામે કડક નિયમો લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે.