Cadila CMD Rajiv Modi Case: અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના ચીફ મેનેજિંગ ડિરેક્ટર (CMD) રાજીવ મોદીની મુશ્કેલી વધી રહી છે. રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ જાતીય સતામણી સહિતના ગંભીર કેસમાં પેન ડ્રાઈવ સહિતના દસ્તાવેજ સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વધુ પુરાવા રજૂ કર્યા છે. બલ્ગેરિયન યુવતી તરફથી કરવામાં આવેલી પ્રોટેસ્ટ પિટિશન સામે જવાબ રજૂ કરવા તપાસ અધિકારીએ સમય માગ્યો હતો. જેથી ગ્રામ્ય કોર્ટે આ મામલે વધુ સુનાવણી 23મી એપ્રિલના રાખ્યો છે.
બલ્ગેરિયન યુવતીએ કોર્ટને પુરાવા આપ્યા
મળતી માહિતી અનુસાર, જાતીય સતામણી કેસમાં બલ્ગેરિયન યુવતીએ કોર્ટને એ પુરાવા આપ્યા છે, જેમાં સહ આરોપી જ્હોનસન મેથ્યુ કોઈ વ્યક્તિ સાથે રાજીવ મોદીએ તેના ડિજિટલ ડિવાઈસમાંથી ડેટા ડિલિટ કરાવ્યો છે તેને લઈને વાત કરી રહ્યો છે. તેનું કોલ રેકોર્ડિંગ આ પેન ડ્રાઈવમાં છે. પીડિતાના ભારત આવવાના વિઝાની પ્રોસેસ જ્હોનસન મેથ્યુ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત પીડિતાએ પોતાની સાથે ઘટેલી ઘટનાના ચેટ્સ પણ કોર્ટ સમક્ષ પુરાવા તરીકે રજૂ કર્યાં છે.
કેડિલાના મેનેજરે આ બલ્ગેરિયન યુવતીને નોકરીએ રાખી હતી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં નોકરી માટે કેડિલાના મેનેજર જ્હોનસન મેથ્યુએ આ બલ્ગેરિયન યુવતીને કંપનીના કામ માટે નોકરીએ રાખી હતી. ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે નોકરીએ રાખ્યા પછી કોઇપણ કારણ વગર તેને બટલર પર્સનલ આસિસ્ટન્ટ બનાવવામાં આવી હતી.