સ્માર્ટ રોડ મામલે MLAનો પત્ર મળતાં કલેક્ટર દોડયાં
સ્માર્ટ રોડ સુવિધા માટે છે, અસુવિધા માટે નહિ : કનૈયાલાલ કિશોરી
દાહોદમાં રોડ પર સીધો ડામર પાથરી દેતા વિરોધ કર્યો હતો.

દાહોદમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં સ્માર્ટ રોડની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં જાણે રોડ ઉપર ડામર પાથરી રોડ પાથરવાની પેટન્ટ ફેશન બની ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. જેથી ગોવિંદ નગર વિસ્તારના રહીશોની રજૂઆતના પગલે ધારાસભ્યએ કલેક્ટરને જાણ કરતાં કલેક્ટરે રુબરુ મુલાકાત લઈને જરૂરી સૂચનાઓ આપી છે. પરંતુ કલેક્ટર મોડા પડયા છે કારણ કે બીજા કેટલાક રસ્તાઓ આ જ પેટન્ટ પર બની ગઇ છે અથવા બની રહ્યા છે.

દાહોદ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ રોડનો ડ્રીમ પ્રોજેક્ટ સાકાર કરવા નગર પાલિકાએ જ બનાવેલા શોપીંગ સેન્ટરોને ધ્વસ્ત કરી દેવામા આવ્યા હતા.ઉપરાંત કેટલાક વિસ્તારોમા રહેણાંક મકાનોમાં અણઘડ રીતે પહેલા અને બીજા માળના બાંધકામોના એલીવેશન તોડી પાડવા લોકોને મજબુર કરવામા આવ્યા હતા. જે ખંડેરો લાગતા મકાનોમાં ફરી સરકારી પાવડો ફરી વળશે. તેવા ભયથી કોઈ રિનોવેશન પણ કરાવતા નથી. તેમ છતાં શહેરીજનોને વિશ્વાસ હતો કે સ્માર્ટ રોડ બનશે, જેમાં પહોળા રસ્તા, સ્માર્ટ પોલ,ગાર્ડન ગ્રીનરી, ફુવારા, ફુટપાથ અને સીટીંગ એરેજમેનટ એવુ બનશે કારણ કે સ્માર્ટ રોડના નામે આ દિવા સ્વપ્ન શહેરીજનોને બતાવવામાં આવ્યા હતા. બીજી તરફ્ જયારે સ્માર્ટ રોડ બનવાની શરુઆત થઈ ત્યારે સ્માર્ટ સીટીના શિલ્પીઓએ શહેરીજનોને જાણે હથેળીમાં ચાંદ બતાવ્યો હોય તેવુ પુરવાર થયુ હતુ. કારણ કે રોડમાં ખોદકામ કર્યા વિના જ રોડ ઉપર બીજો ડામર પાથરી દેતાં સપાટી ઉંચી આવી ગઈ છે અને તેને કારણે ચોમાસામાં મકાનો, દુકાનોમાં પાણી ભરાશે ત્યારે આજ શિલ્પીઓ સેવાના નામે છત્રીઓ લઈને મગર મચ્છના આંસુ સારવા નીકળી પડશે.

જો કે ગોવિંદ નગરના રહીશો આ મામલે પહેલેથી જ પિડીત હોઈ તેઓએ આશીર્વાદ ચોકથી એપીએમસી સુધીનો સ્માર્ટ રોડ બનાવવા ઈજારદાર ડામરના રોડ પર જ ડામરના થર પાથરી તે પહેલાં જ તેનો વિરોધ કરવા લેખિત રજૂઆત લઈને ગત શુક્રવારે સાંજે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી પાસે પહોચ્યા હતા. જેથી ધારાસભ્યએ કલેક્ટરને ટેલીફેનીક વાત કરી રહીશોની લેખિત રજૂઆત સાથે પત્ર મોકલી આપ્યો હતો. જેથી સોમવારે સાંજે કલેક્ટર યોગેશ નિરગુડે સ્માર્ટ સીટીના સ્માર્ટ સ્ટાફ્ સાથે ગોવિંદ નગર આવી પહોંચ્યા હતા અને સ્થાનિક નગર સેવકો તેમજ રહીશોની રજૂઆત સાંભળીને હાલમાં ટ્રાયલ બેઝ પર એવી રીતે ખોદકામ કરવામા આવે કે જેથી નીચે આવેલી વિવિધ પાઈપલાઈન અને યુટિલિટીને નુકસાન ન થાય તે રીતે શરુઆત કરવામા આવે. જેથી ચોમાસામાં કોઈ મુશ્કેલી ન સર્જાય ત્યારે નગર પાલિકા અને સ્માર્ટ સીટીના બાબુઓ વચ્ચે સંકલનથી કામગીરી થાય તો જ સુયોજિત રીતે રસ્તો બનશે નહીતર ચોમાસામાં વરસાદી પાણીને ઘરોમાં ઘુસવાનો સ્માર્ટ અને સરળ રસ્તો મળી જશે તે નિશ્ચિત છે. આ બાબતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ જણાવ્યુ કે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ સરકારે કરોડોના ખર્ચે જનસુવિધા માટે અમલમા મુક્યો છે,સ્માર્ટ રોડ પણ સુવિધા છે,અસુવિધા માટે નહી.કલેક્ટર યોગેશ નિરગુડેનો સંપર્ક કરતા તેઓ વ્યસ્ત માલુમ પડયા હતા અને સ્માર્ટ સીટીના કલસટર એન્જીનીયરે ફેન રિસીવ કર્યા ન હતા.

બકરું કાઢતાં ઉંટ ભરાઈ જશે તો?

દાહોદમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત જમીનની અંદર ઘણા કામ થયા છે.જેમાં ગેસ પાઈપ લાઈન, સ્ટ્રોમ વોટર,ભુગર્ભ ગટર વિગેરેની પાઈપ લાઈનો નાખેલી છે પરંતુ તે વધારે ઉંડાણમા નથી.જેથી જો બોકસ કટીંગ કરવા જાય અને કોઈ પણ પાઈપ લાઈન ડેમેજ થાય તો બકરુ કાઢતા ઉંટડુ ભરાઈ જાય તેવો ઘાટ સર્જાઈ શકે છે અને જો રોડ પર જ રોડ પાથરશે તો મકાનો દુકાનોના દરવાજા કરતા રસ્તા ઉંચા થઈ જતા ચોમાસામાં એક ધારો વરસાદ વરસે તો ઘરવખરી કે માલસામાન પાણીમાં તરે તો નવાઈ પામવા જેવુ નહી હોય.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *