India-Canada Controversy : ભારતે કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હોવાનો કેનેડીયન ગુપ્તચર એજન્સીએ આક્ષેપ કર્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે વળતો જવાબ આપ્યો છે અને તેના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે કેનેડાના આક્ષેપોને રદીયો આપી ઓટાવા પર ષડયંત્ર રચવાનો આરોપ કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે (Randhir Jaiswal) કહ્યું કે, ‘મુખ્ય મુદ્દો તો ભૂતકાળનો છે, જેમાં કેનેડાએ નવી દિલ્હી મુદ્દે હસ્તક્ષેપ કર્યો છે.’
કેનેડા અમારા આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરે છે : જાયસવાલ
જાયસવાલે કહ્યું કે, ‘કેનેડીયન ચૂંટણી પંચની તપાસ અંગેનો રિપોર્ટ અમારા ધ્યાને આવ્યો છે. અમે કેનેડાની ચૂંણીમાં ભારતીય હસ્તક્ષેપના તમામ આરોપોને દૃઢતાથી રદીયો આપીએ છીએ. બીજા દેશોની લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો ભારત સરકારની નીતિ નથી. ઉલ્ટાનું કેનેડા અમારા આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યો છે.’
કેનેડાની ગુપ્તચર એજન્સીએ ભારત પર શું આરોપ લગાવ્યો?
કેનેડીયન સુરક્ષા ગુપ્તચર એજન્સી (CSIS)એ એક દસ્તાવેજમાં કહ્યું છે કે, ‘કેનેડામાં વર્ષ 2019 અને 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભારત, પાકિસ્તાન અને રશિયા જેવા દેશોનો સંભવિત હસ્તક્ષેપ હોવાની ફેડરલ તપાસ પંચ તપાસ કરી રહી છે.’ તેમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, ‘ભારત સરકારનો ઈરાદો કેનેડામાં 2021ની ચૂંટણીમાં એક ભારતીય સરકારી પ્રૉક્સી એજન્ટનો ઉપયોગ કરવા ઉપરાંત હસ્તક્ષેપ કરવાનો હતો અને ગુપ્ત સંભવતઃ ગતિવિધિઓનું સંચાલન કરવામાં આવ્યું.
‘ભારતે ઓછી સંખ્યા ધરાવતા જિલ્લાઓને નિશાન બનાવી’
એજન્સીએ એવો પણ આક્ષેપ કર્યો કે, ભારત સરકારે વર્ષ 2021ની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી અને તેણે ઓછી સંખ્યા ધરાવતા ચૂંટણી જિલ્લામાં ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેમાં ભારતની ધારણા હતી કે, ભારતીય મૂળના કેનેડિયન મતદારોનો એક ભાગ ખાલિસ્તાની આંદોલન અથવા પાકિસ્તાન તરફી રાજકીય વલણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે.
‘ભારત સમર્થક ઉમેદવારને નાણાંકીય સહાય પુરી પડાઈ’
દસ્તાવેજમાં કહેવાયું છે કે, સીએસઆઈએસે ગુપ્ત માહિતી એકત્ર કરી છે અને તેમાં જાણવા મળ્યું છે કે, ભારત સરકારના પ્રૉક્સી એજન્ટે ભારત સમર્થક ઉમેદવારને ગેરકાયદે નાણાંકીય સહાય પુરી પાડી લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે. જોકે સીએસઆઈએસના નિદેશક ડેવિડ વિગ્નૉલ્ટે કહ્યું કે, સીએસઆઈએસના રિપોર્ટમાં કરાયેલા આક્ષેપોને તથ્ય ન માની શકાય. રિપોર્ટની માહિતી અધૂરી લાગે છે. આ મામલે ઊંડી તપાસ કરવાની જરૂર છે.