Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આજે રાજસ્થાન (Rajasthan)ના જયપુરમાં રેલી યોજ્યા બાદ જનસભા ગજવી છે, જેમાં પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મંચ પર ઉપસ્થિત રહેલા તમામ નેતાઓએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો ઉલ્લેખ કરી મોટા દાવા કર્યા છે અને BJP પર આક્ષેપોનો વરસાદ કરી દીધો છે.
ચારેકોર અન્યાયનો અંધકાર વધી ગયો છે : સોનિયા ગાંધી
રેલીને સંબોધીત કરતા સોનિયા ગાંધી (Sonia Gandhi)એ કહ્યું કે, ‘ચારેકોર અન્યાયનો અંધકાર વધી ગયો છે, પરંતુ આપણે તેની સામે લડીશું અને ન્યાયની રોશની શોધીશું. દુર્ભાગ્યથી આજે આપણા દેશમાં એવા નેતા સત્તામાં છે, જેઓ લોકશાહીનું ચીરહરણ કરી રહ્યા છે. આજે લોકશાહી ખતરામાં છે. લોકશાહી સંસ્થાઓને બરબાદ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, આપણા બંધારણને બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બધુ જ તાનાશાહી છે અને આપણે બધા તેનો જવાબ આપીશું. આજે રોજની કમાણીથી ખાણી-પીણીનો સામાન મેળવવો મુશ્કેલ બની ગયો છે, રસોઈની વધતી કિંમતોએ આપણી માતા-બહેનો સમક્ષ મુશ્કેલી ઉભી કરી દીધી છે. આપણે અન્યાય વિરુદ્ધ લડવા એક થવું પડશે. કોઈપણ વ્યક્તિ દેશથી મોટો નથી. વિપક્ષી નેતઆઓને ડરાવવામાં આવી રહ્યા છે. જોકે કોંગ્રેસના બહાદુર અને મહેનતી નેતાઓ તથા કાર્યકર્તાઓ તેનો જવાબ આપશે.’
મોદીની જેમ અમે ખોટું બોલનારામાં નથી : ખડગે
કોંગ્રેસ (Congress)ના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર નિશાન સાધતા કહ્યું કે, ‘અમે ચૂંટણી ઢંઢેરા (Election Manifesto)માં પાંચ ન્યાયની ગેરેન્ટી હેઠળ 25 ગેરેન્ટી આપી છે. જો અમારી સરકાર આવશે, તો તમામ ગેરેન્ટીનો નિશ્ચિત અમલ કરાશે. અમે ક્યારે ખોટું બોલતા નથી, જેમ મોદી બોલે છે. તેઓ જ્યાં જાય છે, ત્યાં કંઈક ને કંઈક ખોટું બોલીને આવે છે. તેમણે અમારા પહેલા ઘણી ગેરેન્ટીઓ આપી, પરંતુ હું પૂછવા માંગુ છું કે, તેમણે કંઈ ગેરેટી પૂરી કરી છે?
ખડગેએ વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન
ખડગેએ વધુમાં કહ્યું કે, ‘મોદીએ એવું કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના લોકો કાળુ ધન રાખે છે, તેને લાવીને 15-15 લાખ આપીશ, પરંતુ ન આપ્યા. વડાપ્રધાન કેવું ખોટું બોલે છે. તેઓ હંમેશા એવું કહે છે કે, હરિચંદ્ર બાદ મારો જન્મ થયો છે, તો પણ તમને 15 લાખ મળ્યા નહીં. તેઓ એવું પણ કહેતા હતા કે, ખેડૂતોની વસ્તી બમણી કરી દઈશ, શું તેમણે કરી? મોદીજી ખોટાઓના સરદાર છે, ખોટું બોલે છે. હું જાણતો નથી કે, તેઓ આટલું બધુ ખોટું કેમ બોલે છે.’
કેન્દ્ર સરકારની યોજનાઓ મોટા ઉદ્યોગપતિઓ માટે : પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)એ સંબોધનમાં કહ્યું કે, ‘કેન્દ્ર સરકારની યોજનાઓ મોટા ઉદ્યોગપતિઓ માટે બનાવવામાં આવે છે. અમે અમારા ન્યાય પત્રમાં યુવાઓ, મહિલાઓ, ખેડૂતો અને શ્રમિકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આજે દેશના બે મુખ્યમંત્રીઓને જેલમાં ધકેલી દેવાયા છે. આખા વિપક્ષ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, કારણ કે અમે પ્રજાનો અવાજ ઉઠાવી રહ્યા છીએ.’