IMD Weather Update: ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડતા લોકો અકળાઈ ઉઠ્યા છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD)એ રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર, ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વરસાદ પડી શકે છે. કારણ અલ નીનોનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. જેથી કરીને ચોમાસા માટે સારા માહોલનો સંકેત મળી રહ્યો છે.
ખેડૂતોને મળશે રાહત
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશકે આ અંગે માહિતી આપી હતી. મધ્ય પ્રશાંત મહાસાગરના ગરમ થવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ‘અત્યાર સુધી એવા સંકેતો મળ્યા છે કે અલ નીનો ઘટી રહ્યો છે. જૂનની શરૂઆત સુધીમાં અસર ઓછી થઈ જશે, ત્યારબાદ તટસ્થ સ્થિતિ પ્રવર્તી શકે છે. આ આબોહવાની ઘટના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ છે.’ નોંધનીય છે કે, કૃષિ ક્ષેત્રે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ખૂબ મહત્ત્વનું છે. જે દેશમાં લગભગ 70 ટકા વાર્ષિક વર્ષાની આપૂર્તિ કરે છે. જો વરસાદ ઓછો પડે તો દેશના અર્થતંત્રને પર તેની અસર પડે છે. ખેડૂતો માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે.
ભારતીય ચોમાસા માટે લા નીના સારું
હવામાન વિભાગ અનુસાર, જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે લા નીનાની સ્થિતિ જોવા મળી રહી છે. જેનું મધ્ય પ્રશાંત મહાસાગરને ઠંડુ કરવામાં યોગદાન છે. ભારતીય ચોમાસા માટે લા નીના સારું છે અને આ વખતે તટસ્થ સ્થિતિઓ સારી છે. ગત વર્ષ અલ નીનોના કારણે ભારતીય ચોમાસાના 60 ટકા ક્ષેત્ર પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે. પરંતુ આ વર્ષે આ સ્થિતિ જોવા મળશે નહીં. યુરેશિયામાં આ વર્ષે પણ ઓછી બરફવર્ષાનું આવરણ છે જે મોટા પાયા પર ચોમાસા માટે અનુકૂળ છે.
વર્ષ 2023માં ઓછો પડ્યો હતો વરસાદ
અહેવાલો અનુસાર, 2023માં ચોમાસાની સીઝનમાં 868.6 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે મજબૂત અલ નીનોને જવાબદાર ઠેરવ્યું હતું. આ મહિનાના અંત સુધીમાં આઈએમડી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની આગાહી બહાર પાડશે જે એક નવા સંકેત વિશે જાણકારી આપવાની સ્થિતિ બની શકે છે.
અલ નીનો અને લા નીનો શું છે?
અલ નીનો, એ વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં સપાટીના પાણીની ગરમીનો સંદર્ભ આપે છે. તે ચોમાસાના વરસાદને ઘટાડવા માટે જાણીતું છે. જયારે, લા નીના, જે તે જ પ્રદેશમાં દરિયાની સપાટીના પાણીની ઠંડક છે, તે ભારતમાં વરસાદને મદદ કરવા માટે જાણીતો છે.