સુરત
વારંવાર આત્મહત્યાની ધમકી આપનાર પત્નીનુ ગળું ઘોંટી
આત્મહત્યાની થિયરી ઉભી કરનાર પતિનો ભાંડો એફએસએલ તબીબી પુરાવાએ ફોડયો
ચારેક
વર્ષ પહેલાં સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં માત્ર 15 મહીનાના
દાંપત્યજીવનમાં નજીવી બાબતે થતા ઝઘડામાં વારંવાર પતિને આત્મહત્યાની ધમકી આપનાર
પત્નીનું ગળું ઘોંટીને હત્યા કર્યા બાદ આત્મહત્યા કર્યાનું જણાવી પોલીસને
ગેરમાર્ગે દોરવનાર આરોપી પતિને આજે એડીશ્નલ સેશન્સ જજ ડી.એસ.જોશીએ હત્યાના ગુનામાં
દોષી ઠેરવી આજીવન કેદ,રૃ.10 હજાર દંડ ન
ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારી છે.
મૂળ
યુ.પી.ના રોશનપુર ગામના વતની ફરિયાદી રામઅવતાર રામદયાલ નિશાદની પુત્રી
મીનાકુમારીના લગ્ન આરોપી ભુપેન્દ્રકુમાર શિવકુમાર નિશાદ સાથે એપ્રિલ-2019 માં થયા હતા.લગ્ન
બાદ પતિ-પત્ની સુરત સચીન જીઆઈડીસી સ્થિત મહાવીર નગર ખાતે રહેતા હતા.પરંતુ દાંપત્ય
જીવનના 15 મહીનાના ટુંકાગાળામાં પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે
તકરાર થતા પત્ની મીનાકુમારી વારંવાર પતિને આત્મહત્યાની ધમકી આપતી હતી.જે દરમિયાન
ગઈ તા.19-8-20ના રોજ આરોપી પતિ દારુ પીને ઘરે આવતાં
પતિ-પત્ની વચ્ચે આ મુદ્દે ઝઘડો થયો હતો.જેથી પત્ની મીનાકુમારીએ પતિને ગળે ફાંસો
ખાઈને આત્મ હત્યાની ધમકી આપતા પતિ ભુપેન્દ્રકુમારે તેનું ગળુ દબાવીને હત્યા કરી
હતી.પરંતુ સચીન જીઆઈડીસી પોલીસ મથકના પોસઈ શ્રીમતી એ.કે.જાડેજા સમક્ષ પોતાની પત્ની
ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ખોટી માહીતી આપીને ગેરમાર્ગે દોરવવાનો
પ્રયાસ કર્યો હતો.જો કે એફએસએલ તથા મેડીકલ પુરાવા પરથી મરનાર મીનાકુમારીનું ગળું
દબાવીેને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતુ.
આ
કેસમાં સંડોવાયેલા આરોપી પતિ ભુપેન્દ્રકુમાર નિશાદ વિરુધ્ધનો કેસની આજે અંતિમ
સુનાવણી હાથ ધરવામાં આવી હતી.અલબત્ત આરોપીના
બચાવપક્ષે મુખ્યત્વે પોલીસે ખોટા પંચનામા ઉભા કરીને માત્ર આરોપીની કબૂલાતના
આધારે ખોટો કેસ કર્યો હોવાનો બચાવ લીધો હતો.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી નિલેશ
ગોળવાળાએ સાંયોગિક પુરાવા આધારિત કેસમાં કુલ 25 સાક્ષી તથા 30
દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. કોર્ટે આરોપી ભુપેન્દ્રકુમાર નિશાદને પત્ની મીનાકુમારીની હત્યાના ગુનામાં દોષી ઠેરવી
આજીવન કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે આરોપી તથા
મરનારનું લગ્નજીવન માત્ર 15 મહીનાનું હતુ.સંયુક્ત કુટુંબના
અભાવે લગ્નજીવનના ટુંકાગાળામાં દાંપત્યજીવનની તકરારમાં સહનશીલ ન હોવાના કારણે આ
પ્રકારના બનાવો બને છે.પણ ખુન જેવા ગંભીર
ગુના બને તો પતિ પત્ની પર નહીં પરંતુ પરિવારજનો અને સમાજ પર પણ અસર થતી હોય
છે.જેથી સમાજમાં દાખલો બેસે તે અને આવા ગુના પર અંકુશ આવે તે માટે ઈરાદાપુર્વક
હત્યા કરી હોય તો સજા દંડ કરવી ન્યાયના હિતમાં છે.