સૌરાષ્ટ્રના સહકારી નેતાઓનો ભાજપનાં મેન્ડેટ સામે અસહકાર જયેશ રાદડીયાએ કહ્યું હું બળવાખોર કઈ રીતે? પહેલા ફોર્મ મેં ભર્યું, બીપીન પટેલ પછી આવ્યા, આમાં મેન્ડેટ ન હોય  સી.આર.પાટિલને સંઘાણીએ સંભળાવી દીધું-સવારે કોંગ્રેસમાં, બપોરે ભાજપમાં આવી ટિકીટ મેળવે તે ઈલુ ઈલુ કહેવાય

રાજકોટ, : ઈ.સ. 1967માં સ્થપાયેલ દેશમાં ખાતર ઉત્પાદન-વેચાણમાં નં.1 ગણાતી ઈન્ડીયન  ફાર્મર્સ ફર્ટીલાઈઝર્સ કોઓપરેટીવ લિ. અર્થાત્ ઈફકોના ડાયરેક્ટર પદે ગઈકાલે ભાજપના પૂર્વમંત્રી, ધારાસભ્ય જયેશ રાદડીયા ભાજપના સત્તાવાર મેન્ડેટવાળા ઉમેદવાર બીપીન પટેલને હરાવીને વિજેતા થયા બાદ પ્રદેશ નેતાગીરીને આડે હાથ લેનાર દિલિપ સંઘાણી પણ આજે ઈફકોના ચેરમેન  પદે ફરીવાર બીનહરીફ ચૂંટાઈ આવ્યા છે. અગાઉ બીનહરીફ થયેલ ઈફ્કોની આ વખતની ચૂંટણીથી સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના ભાજપના નેતાઓનો ભાજપના દિગ્ગજ નેતાઓ સામે સામે માંડેલો મોરચો ખુલ્લો પડયો છે અને આ મોરચો માંડીને ભાજપના કેટલાક વગદાર નેતાઓની ઈચ્છા વિરૂધ્ધ ધારેલી સફળતા મેળવી છે. 

ઈફ્કોમાં સમગ્ર દેશમાંથી 21 ડિરેક્ટરો ચૂંટવાના હોય છે અને આ ચૂંટણી કોઈ સિમ્બોલ ઉપર કે પક્ષના ઉમેદવાર તરીકે લડવાની હોતી નથી. ત્રીસ વર્ષથી જ્યાં ખેતી કરી હોય, વાવ્યુ હોય ત્યાં બીજાને થોડા આવવા દઈએ તેવી વાત સાથે જયેશ રાદડીયાએ અમદાવાદના બીપીન પટેલ (ગોતા)વિરૂધ્ધ ઉમેદવારી કરતા ચૂંટણી યોજાઈ તેમાં પોલ ખુલી ગઈ છે. રાદડીયાને  રાજકોટ,મોરબી જિલ્લાના 68 મતો ઉપરાંત 45 મતો અન્ય જિલ્લામાંથી જેમાં 25 મતો તો સૌરાષ્ટ્ર બહાર ગુજરાતમાંથી પણ મળ્યા છે જે બીપીન પટેલને મેન્ડેટ આપનાર ભાજપ માટે જડબાતોડ જવાબ છે. જ્યારે અમિત શાહની નજીક ગણાતા હોવા છતાં બીપીન પટેલને માત્ર 67 મતો જ મળ્યા છે. આ મતો એ સહકારી મંડળીઓએ મુકેલા ડેલીગેટ્સના હોય છે અર્થાત્ સહકારી ક્ષેત્રે કોનુ કેટલું વજન તે આ પરિણામ નક્કી કરે છે. 

રાદડીયા સામે ભા્જપના બળવાખોરનું બીરૂદ લાગી જતા આજે તેણે જણાવ્યું કે હું ગત ચૂંટણીમાં બીનહરીફ ચૂંટાયો હતો, સૌરાષ્ટ્રની સહકારી મંડળીઓના 68 પ્રતિનિધિઓનું તો પહેલેથી જ મને સમર્થન છે અને આ વખતે મેં તા. 24ના જ ઉમેદવારી નોંધાી દધી હતી અને ત્યારે બીપીન પટેલનું કોઈ નામ ન્હોતું. બાદમાં તેણે ફોર્મ ભર્યું અને મેન્ડેટની વાત આવી પરંતુ, આવો કોઈ મેન્ડેટ મને અપાયો જ નથી. બળાબળના પારખામાં મારો જંગી બહુમતિએ વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે જો આ વખતે પણ રાદડીયા બીનહરીફ થઈ ગયા હોત તો તો બીપીન પટેલ અને  તેનું નામ પસંદ કરનાર ભાજપના દિગ્ગજ નેતાઓનું સહકારી ક્ષેત્રે ચાલતુ નથી તે વાત પણ ખુલ્લી ન થઈ હોત. 

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે બે વર્ષ પહેલા સહકારી ક્ષેત્રે ભાજપના નેતાઓ ઉપર અવિશ્વાસ મુકીને તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે ઈલુ ઈલુ કરે છે તેમ કહીને મેન્ડેટ આપવાનું શરૂ કર્યું હતુ જે સામે આમ પણ સૌરાષ્ટ્રમાં વિરોધ હતો. આજે દિલિપ સંઘાણી બીજા પાંચ વર્ષ માટે ઈફકોના ચેરમેન  તરીકે બીનહરીફ ચૂંટાયા તે પહેલા ગઈકાલે જ ભાજપના નેતાઓમાં પણ તેનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સંઘાણીએ પક્ષપલ્ટા,ભરતીમેળા સામે ગંભીર આક્ષેપો કરીને કહ્યું  કે સવારે કોંગ્રેસમાં હોય, બપોરે ભાજપમાં આવે અને તેને ટિકીટ મળી જાય તેને ઈલુ ઈલુ કહેવાય. રાદડીયાએ ફોર્મ ભર્યા પછી બીપીન પટેલ ફોર્મ ભરે તે પાર્ટીમાં સંકલનનો અભાવ કહેવાય.

એકંદરે ભાજપના મેન્ડેટની જાણ નથી તેમ કહીને ભાજપના જ સત્તાવાર ઉમેદવાર સામે સહકારી ક્ષેત્રે ચૂંટણી જંગ જીતતા રાજકીય ક્ષેત્રે ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને આ હજુ શરૂઆત હોવાનું અને ભવિષ્યમાં સહકારી ચૂંટણીમાં પણ તેની અસર પડે તેવી શક્યતા છે. ભાજપના ભરતી મેળાથી અને નેતાઓ,કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર ઉપરથી કોઈને પદ માટે પસંદ કરી દેવાની પ્રવૃતિ સામે સૌરાષ્ટ્ર ભાજપમાંથી મજબૂત અવાજ ઉઠયો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *