– ઇમરાનનાં પત્નીએ કહ્યું હતું કે : તેમને અનારોગ્યપ્રદ મિશ્રણ સાથેનો ખોરાક અપાય છે : તેથી તેઓને સબ જેલમાંથી જેલમાં મોકલવામાં આવ્યાં
ઇસ્લામાબાદ : પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાન પૂર્વ વડા પ્રધાન, ઇમરાન ખાનનાં પત્નીની વિનંતીથી તેઓને હાઉસ એરેસ્ટમાંથી જેલમાં મોકલવા પાકિસ્તાનની કોર્ટે આદેશ આપ્યો હતો. કોર્ટને આ વિનંતી કરતાં બુશરા બીબીના વકીલે કહ્યું હતું કે, ‘ઇસ્લામાબાદ સ્થિત ખાનનાં હીલ ટોપ મેન્શનમાં બુશરા બીબીને નજર કેદ રાખવામાં આવ્યાં છે. તેઓએ ફરિયાદ કરી હતી કે તેઓનાં ભોજનમાં અનારોગ્યપ્રદ પદાર્થો ભેળવવામાં આવી રહ્યા છે.’
ઇમરાન ખાન અને તેઓનાં પત્ની બુશરા બીબી ઉપર એવો આરોપ છે કે તેઓએ રાજ્યને (દેશને) જ વાસ્તવમાં મળેલી ભેટો ગેરકાયદેસર વેચી નાખી હતી. તે માટે તેઓ બંનેને સજા ફરમાવવામાં આવી હતી.
ખાન દંપતિના વકીલ નઇમ મંજુઠાએ ‘X’ પ્લેટફોર્મ ઉપર આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘આ કારણસર તેઓને સબ જેલ બનાવાયેલાં તેઓનાં નિવાસ સ્થાનમાંથી જેલમાં મોકલવા અરજી કરતાં ઇસ્લામાબાદ હાઈકોર્ટે તેઓને જેલમાં મોકલવા હુક્મ કર્યો હતો. તે હુક્મ પ્રમાણે બુશરા બીબીને હવે, રાવલપિંડી સ્થિત અડીયાલા જેલમાં મોકલવામાં આવશે. આ જેલમાં જ 70 વર્ષના ઇમરાનખાન 14 વર્ષની સજા ભોગવી રહ્યા છે. તેમ તેઓની પાર્ટી પીટીઆઈનાં નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.’