અમદાવાદ,ગુરુવાર,4 એપ્રિલ,2024
અમદાવાદ શહેરમાં ઉનાળામાં અંગ દઝાડતી ગરમીનો લોકો અનુભવ
કરતા હોય છે.નવ વર્ષના સમયમાં શહેરમાં હીટ સ્ટ્રોકના કુલ ૬૩૬ કેસ નોંધાયા છે. આ
પૈકી ૪૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મ્યુનિ.તંત્રે અમલમાં મુકેલા હીટવેવ એકશન પ્લાન
અંતર્ગત ૪૫ થી ૬૦ સેકન્ડ સુધી બંધ રહેતા ટ્રાફિક જંકશન ઉપર ગ્રીન નેટ બાંધવાનો
નિર્ણય કરવામાં આવ્યો છે.ઓછા ટ્રાફિકવાળા ૧૨૦ જંકશન બપોરના સમયે ટ્રાફિક પોલીસ
દ્વારા બંધ રાખવામાં આવશે.
શહેરીજનોએ વર્ષ-૨૦૧૦માં કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો
હતો.વર્ષ-૨૦૧૦માં હીટ સ્ટ્રોકના કુલ ૨૭૪ કેસ નોંધાયા હતા.આ પૈકી કુલ ૬૫ લોકોએ હીટ
સ્ટ્રોક લાગવાના કારણે જીવ ગુમાવવા પડયા હતા.જાન્યુઆરી-૨૦૨૪થી હીટ વેવ એકશન પ્લાન
અંતર્ગત લાંબા ગાળાની અસર જાણવાના હેતુથી ઓકલેન્ડ યુનિવર્સિટી દ્વારા ગ્લોબલ
સ્ટડીના ભાગરુપે અમદાવાદ શહેરમાં કામગીરી કરવામાં આવી રહી છે.સ્ટેન્ડિંગ કમિટીની
બેઠક બાદ ચેરમેને કહયુ, શહેરમાં
આવેલા મહત્વના ચાર રસ્તા કે જયાં લાંબા સમય સુધી ટ્રાફિક સિગ્નલ બંધ હોય છે તેવા
ચાર રસ્તાઓ ઉપર મ્યુનિ.તંત્ર તરફથી ગ્રીન નેટ બાંધવામાં આવશે.વિવિધ વોર્ડ
વિસ્તારમાં લોકોને પીવાનુ ઠંડુ પાણી મળી રહે એ માટે ઠંડા પાણીની પરબ શરુ કરવામાં
આવશે.મ્યુનિ.સંચાલિત અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર ઓ.આર.એસ.સેન્ટર ઉભા કરવા
ઉપરાંત એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.બસ સ્ટોપ ઉપર પણ પીવાના પાણી તથા ઓ.આર.એસ.ની
વ્યવસ્થા કરવામા આવશે.શહેરમાં ચાલતી કન્સ્ટ્રકશન સાઈટ બપોરના ૧૨થી ૪ કલાક સુધી બંધ
રાખવામાં આવશે.રેડ અને ઓરેન્જ એલર્ટ દરમિયાન અનેક સ્થળે સ્વૈચ્છીક સંસ્થાઓની મદદથી
છાશનુ વિતરણ કરવામાં આવશે.સફાઈ કામદારોનો સમય બપોરે ત્રણ કલાકના બદલે ચાર કલાક
કરવામાં આવશે.તમામ બગીચા રાત્રિના ૧૧ કલાક સુધી લોકો માટે ખુલ્લા રાખવામા
આવશે.મ્યુનિ.હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદી
વ્યવસ્થા કરવામા આવશે.અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત કલાક સુધી ખુલ્લા રાખવામાં આવશે.
અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કયારે કેટલાં કેસ-મોત?
વર્ષ કુલ કેસ કુલ મોત
૨૦૧૦ ૨૭૪ ૬૫
૨૦૧૪ ૫૭ ૧૧
૨૦૧૫ ૨૩ ૦૮
૨૦૧૬ ૯૯ ૧૫
૨૦૧૭ ૩૩ ૦૨
૨૦૧૮ ૨૬ ૦૩
૨૦૧૯ ૩૫ ૦૨
૨૦૨૨ ૮૧ ૦૦
૨૦૨૩ ૦૮ ૦૦