– ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનના એપીસેન્ટરમાં મતદાન 3 ટકા ઘટયું
– નાણામંત્રીનો વિરોધ થયો તે જસદણમાં સૌથી ઓછુ 55.69 ટકા, ટંકારા, વાંકાનેરમાં સૌથી વધુ 65 ટકા,ભાજપના ગઢ રાજકોટ મહાનગરમાં ઓછુ સરેરાશ 58 ટકા મતદાન
– ક્ષત્રિયો સામુહિક રીતે મતદાન કરવા નીકળી પડયા તો ભાજપના વિસ્તારોમાં પણ કતારો જોવા મળી
– કૂલ 21.12 લાખ મતદારોમાં 12.67 લાખે મતાધિકાર વાપર્યો, 8.45 લાખ મતદાનથી અલિપ્ત
– સ્ત્રી મતદારોમાં રાબેતામૂજબ ઉદાસીનતા,માત્ર 54.43 ટકા, પુરુષોમાં 64.42 ટકા મતદાન
રાજકોટ : રાજકોટ લોકસભા બેઠક પર આજે સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં માત્ર અંદાજિત ૫૯.૬૦ ટકા મતદાન થયાનું તંત્રએ જાહેર કર્યું છે. રાજકોટમાં ૪૩ સે.એ પહોંચેલા તાપમાન વચ્ચે સવારે મતદાનમાં અદમ્ય ઉત્સાહ જણાયા બાદ બપોર પછી રાજકોટની ટેવ મૂજબ સુસ્તી વર્તાઈ હતી અને લાંબા સમયથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અસંખ્ય પ્રકારના સતત પ્રયાસો કરવા છતાં ગત વર્ષે ૬૩.૧૪ ટકા સામે આ વખતે તેનાથી પણ ૩ ટકા કરતા વધુ ઓછું મતદાન થયું હતું.
ક્ષત્રિય આંદોલન જ્યાંથી શરુ થયું તે રાજકોટમાં ભાજપના પરસોતમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી મુખ્ય પ્રતિસ્પર્ધી હતા. સાત ધારાસભા મતવિસ્તાર ધરાવતા આ સંસદીય ક્ષેત્રમાં કૂલ ૨૧.૧૨ લાખ મતદારો નોંધાયેલા હતા જેમાં ૧૨.૬૭ લાખે મત આપ્યા છે અને ૮.૪૫ લાખ જેટલા મતદારોએ મત નહીં આપીને એક મુક મંતવ્ય આપી દીધું છે.
વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને પડતા મુકાયા છે ત્યારે તેમના જુના મતવિસ્તાર ટંકારા-પડધરી ધારાસભા ક્ષેત્રમાં ૬૪.૬૭ ટકા અને મુખ્યત્વે કોળી અને મુસ્લિમોની વસ્તી ધરાવતા અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ્યાં કસોકસ રહે છે તે વાંકાનેર બેઠક પર સૌથી વધારે ૬૫.૮૮ ટકા મતદાન થયું છે.
આશ્ચર્યજનક રીતે રાજકોટ મહાનગરની ચાર બેઠકો પર ઓછુ નિરસ મતદાન થયું છે. ધારાસભા વાઈઝ ભાજપનો વર્ષોથી ગઢ રહેલા રાજકોટ-પશ્ચિમ બેઠક પર માત્ર ૫૭.૮૪ ટકા મતદાન થયું છે. ઉપરાંત પાટીદાર અને ઓ.બી.સી.મતો ધરાવતા રાજકોટ-દક્ષિણ ઉપર પણ ૫૭.૮૦ ટકા ટકા મતદાન જ થયું છે. જ્યારે ભાજપ-કોંગ્રેસ વચ્ચે કસોકસ રહે છે તેવી રાજકોટ-પૂર્વ બૂેઠક પર પણ લગભગ આટલું જ ૫૭.૮૮ ટકા મતદાન થયું છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પર ૫૮.૫૮ ટકા સાથે મ્યુનિ.કોર્પો.વિસ્તારમાં મતદારો એકંદરે ટંકારા,વાંકાનેર કરતા નિરસ રહ્યા છે.
જ્યારે સૌથી ઓછું મતદાન ભાજપના કેબીનેટ મંત્રી જ્યાંથી ચૂંટાયા છે અને જ્યાં કોળી સમાજે ભાજપના નાણામંત્રી સામે આંદોલન કર્યું હતું તે જસદણ મતવિસ્તારમાં માત્ર ૫૫.૬૯ ટકા મતદાન થયું છે.
સવારે શહેરમાં મતદાન શરુ થયું ત્યારે તંત્રની પ્રક્રિયાના કારણે ધીમુ મતદાન થતા ભાજપના નેતાઓ અકળાયા હતા અને મતદાન મથકોએ ધસી જઈને કર્મચારીઓને ત્રીસ સેકન્ડમાં એક મત પડી જવો જોઈએ તેમ કહીને ઝડપ કરવા સૂચનાઓ આપી હતી.સવારે ૭થી બપોરે એક વાગ્યા સુધીના ૬ કલાકમાં માત્ર ૩૭ ટકા મતદાન થયા બાદ બપોરે ૧થી ૩ ધોમધખતા તાપમાં ૧૦ ટકા મતદાન વધીને ૪૭ ટકા અને ત્યારબાદ ત્રણ કલાકમાં આશરે ૧૨ ટકા મતદાન થયું હતું. એકંદરે સાંજે ૬ સુધીમાં મતદાનનો આંકડો પૂરો ૬૦ ટકાએ પણ પહોંચ્યો ન્હોતો.
મતદાનની પેટર્ન એવી રહી છે કે એક તરફ રેલનગર સહિત ક્ષત્રિય બહુમત વિસ્તારો, જંગલેશ્વર સહિત મુસ્લિમ બહુમત વિસ્તારોમાં સવારે લાઈનો હતી તો રાજકોટ પશ્ચિમ સહિત ભાજપના પરંપરાગત વિસ્તારોમાં પણ લાઈનો જોવા મળી હતી. પરંતુ, સવારની લાઈનો તડકો ચઢતા જ બપોરે ગાયબ થઈ ગઈ હતી. રાજકોટમાં આજે ૪૩ સે.તાપમાને ચૂંટણી ફરજ પર રહેલા આશરે ૧૩૦૦૦ કર્મચારીઓની પણ આકરી કસોટી કરી હતી. કૂલર ઘણા સ્થળે દેખાયા નહીં, તો ક્યાંક મંડપનો પણ અભાવ હતો.
રાજકોટમાં મતદાનની ખટ્ટીમીઠ્ઠી
રાજકોટ : રાજકોટમાં આજે લોકસભા બેઠકનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું છે. સંવેદનશીલ બુથ વધારાયા પણ સંવેદનશીલ લોકોએ બીજાની સંવેદનાની પણ ચિંતા કરી છે. કેટલીક જોવા,જાણવા મળેલી ઘટના નીચે મૂજબ છે.
*અંબિકાટાઉન શીપમાં લોકો ઢોલ નગારા સાથે રાસગરબા રમીને સામુહિક મતદાન કરવા નીકળ્યા હતા.ૅજીવરાજપાર્કમાં મતદારોની લાંબી લાઈન હતી અને મતદારો ઉપર મંડપ પણ ન્હોતા. મવડીમાં પાટીદારો પણ મતદાન માટે ઉમટયા હતા.
*મોબાઈલના નિયમનો ક્યાંક ભંગ અને ક્યાંક અમલ નજરે પડતો હતો. ભાજપના ભરત બોઘરાએ એક સ્થળે ધસી જઈને પ્રેક્ટીકલ બનીને લોકોને મોબાઈલ સ્વીચઓફ કરાવીને લઈ જવા દેવા પોલીસને જણાવ્યું હતું.
*કોંગ્રેસના રણજીત મુંધવા કોઈ પ્રચાર વગર માત્ર ગેસનો બાટલો ઉપાડીને મતદાન કરવા પહોંચ્યા હતા.
* ક્ષત્રિય સમાજની બહેનો પરંપરાગત સાડીમાં સજ્જ થઈ અને પુરુષો પાઘડી પહેરીને સામુહિક રીતે મતદાન કરવા નીકળ્યા હતા.
*રેલનગરમાં બુથ નજીક કોંગ્રેસનું કાર્યાલય,બોર્ડ હટાવાતા ભાજપનું બોર્ડ પણ હટાવો તેવી માંગ સાથે માથાકૂટ થઈ હતી.
* કોટેચા સ્કૂલમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે રકઝક થઈ હતી.
*વિજય રૂપાણીએ મતદાન મથકની બહાર નીખળી ૧૦૦-૨૦૦ મીટર દૂર જવાને બદલે ત્યાં જ કેમેરા સામે નિવેદન આપ્યું હતું.
*રાજકોટ બેઠકના કોંગ્રેસના પરેશ ધાનાણી અને ભાજપના પરસોતમ રૂપાલાએ અમરેલી વતનમાં જઈને મતદાન કર્યું હતું. આ બન્ને ઉમેદવારો આયાતી છે.
*સવારે રાજકોટમાં રૂપાલાના ઘર પાસે પણ મતદાન શુષ્ક જણાતું હતું.
*અંધજનો,દિવ્યાંગો, વયોવૃધ્ધોથી માંડીને સંતો સહિત સૌએ મતદાન કર્યું હતું.
*ભાજપના પ્રમુખ મુકેશ દોશી, વજુભાઈ વાળા, ધનસુખ ભંડેરી સહિત નેતાઓએ તો કોંગ્રેસના અતુલ રાજાણી, ઈન્દ્રનીલ રાજ્યગુરુ,ડો.હેમાંગ વસાવડા વગેરેએ સવારમાં વહેલુ મતદાન કરીને પછી બુથ પર નીકળ્યા હતા.
*વોર્ડ નં.૯માં જ્યાં ભાજપને લીડ મળે છે ત્યાં સવારથી મતદાન નોંધપાત્ર રહ્યું.