Lok Sabha Elections 2024 | જામનગર જિલ્લામાં સવારના 7 વાગ્યાથી જ લોકો મતદાન કરવા પહોચી રહ્યા છે. ત્યારે 78-જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ 60-એ.કે.દોશી મહિલા કોલેજ જામનગર ખાતે રામસર સાઇટનો દરરજો ધરાવતા ખીજડીયા પક્ષી અભ્યારણ્યની થીમ પરનું આદર્શ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.
આ આદર્શ મતદાન મથક પર ખીજડિયા પક્ષી અભ્યારણ્યના આકર્ષક ફોટાઓ, અહીં જોવા મળતા પક્ષીઓ અને તેમના વિશેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ગુજરાતનાં 23 અભ્યારણ્યો પૈકી જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 300થી પણ વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે.
પ્રવાસન વિભાગ દ્વારા ખીજડીયા ગામને સિલ્વર કેટેગરી અંતર્ગત ‘બેસ્ટ ટુરીઝમ વિલેજ-2023’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે જામનગર જિલ્લાના ગૌરવ સમાન ખીજડિયા પક્ષી અભ્યારણ્યની થીમના આ મતદાન મથક પર લોકો મત આપી અભ્યારણ્ય વિશેની પણ માહિતી મેળવી રહ્યા છે.
આ મથક ઉપર બેસવાની સુવિધા, પંખાઓ, પીવાનું પાણી, સિનિયર સિટીઝન માટે અલગ સુવિધા, સુરક્ષા વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સવારથી જ અહીં મતદાન કરવા માટે લોકો એકઠા થયા હતા.