Image: Facebook
વડોદરા શહેરની મધ્યમાં આવેલ મરીમાતાના ખાંચામાં આવેલી સંખ્યાબંધ દુકાનોના કારણે અહીં રહેતા સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. દૈનિક ધોરણે અહીં હજારોની સંખ્યામાં ગ્રાહકો પોતાના કામ અર્થે આવતા હોવાથી રહીશોને આવન જાવાનમાં તથા પોતાના વાહન પાર્ક કરવામાં તકલીફ ઊભી થઈ રહી છે. આ મામલે અગાઉ અનેકવાર સ્થાનિક રહીશો દ્વારા તંત્રને તેમની તકલીફ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમ છતાં દુકાન સંચાલકો મામલે યોગ્ય કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. અહીં આવેલી કેટલીક દુકાનો મોટેભાગે સપ્તાહમાં તમામ દિવસો ચાલુ રહે છે. જેના કારણે ગુમાસ્તધારાનો અમલ પણ થતો નથી તેવું તેઓનું જણાવવું છે. ત્યારે આજે મરીમાતાના ખાંચામાં દબાણ શાખા અને ટ્રાફિક શાખાની ટીમ પહોંચી હતી અને નડતરું રીતે પાર્ક થયેલા સંખ્યાબંધ વાહનો જપ્ત કર્યા હતા. રહીશોએ જણાવ્યું હતું કે, અમારી મુશ્કેલીનું નિવારણ તંત્ર દ્વારા લાવવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરીશું અને રસ્તા પર બેસી વિરોધ નોંધાવીશું.