Image: Wikipedia
વડોદરા લોકસભાની બેઠક પર ગતરોજ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાદરાના માજી ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ભાજપની જેમ હવે કોંગ્રેસમાં પણ ઉમેદવારના નામને લઈને આંતરિક વિવાદ શરૂ થઈ ગયો છે. વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અને શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનોદ શાહે જશપાલસિંહના નામ સામે વાંધો લીધો છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મેસેજ મુકતા જણાવ્યું છે કે, કોંગ્રેસે જે ઉમેદવાર જાહેર કર્યો છે તેમાં સામે ચાલીને કોંગ્રેસે એક વિકેટ આપી દીધી છે. વડોદરા લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભા આવે છે. તે પૈકી શહેરની પાંચ વિધાનસભા છે જ્યારે જિલ્લાની બે વિધાનસભા છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસે શહેરના કોઈ કાર્યકર્તાને ટિકિટ આપવી જોઈતી હતી. જશવંતસિંહ પઢિયાર એક એવું નામ છે જેને તમામ કાર્યકર્તાઓ પણ ઓળખતા નથી. તો શહેરના મતદારોની વાત શું? એના કરતાં પક્ષે જો ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) જેવા સ્થાનિક શહેરના વ્યક્તિને ટિકિટ આપી હોત તો પરિસ્થિતિ ચોક્કસ કાંઈક અલગ હોત. વિનોદ શાહે એમ પણ જણાવ્યું કે, કોંગ્રેસે જશપાલસિંહ પઢિયારનું નામ જાહેર કરવામાં ભાજપ સાથે સેટિંગ કરી દીધું છે. તેમણે પોતાના કામો કરાવી લેવા માટે ગુજરાતની તમામ 26 બેઠકો અત્યારથી ભાજપને આપી દેવાનું મન બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતની 26 પૈકી વડોદરા બેઠક અત્યંત મહત્વની છે અને તેમાં આવા ઉમેદવારની પસંદગી કરવી એ પાર્ટીનો નિર્ણય ખોટો છે. અમે જાણીએ છીએ કે કોંગ્રેસ હારે છે પણ તેમ છતાં અમે સૌ કાર્યકર્તાઓ મર્દાનગીથી હારવા માટે તૈયાર છીએ.