અમદાવાદ, રવિવાર
ચૂંટણી પૂર્વ શહેરમાં દારૂ સપ્લાય કરતા બુટલેગરો મોટા
સક્રિય થયા છે. ત્યારે અમદાવાદ ક્રાઇમબ્રાંચ, પીસીબી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સિંગરવા,
રાણીપ અને અસલાલીમાં દરોડો પાડીને દારૂ બિયર સહિત ૧૫થી વધુનો
મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પોલીસે ગુના નોંધીને કાર્યવાહી કરી છે.અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમબ્રાંચના પીઆઇ આર એન કરમટિયા
અને તેમના સ્ટાફે શનિવારે સાંજે બાતમીને આધારે અસલાલી નજીક આવેલા વસઇ ગામ પાસે
દરોડો પાડયો હતો. જેમાં લક્ઝરી કારમાંથી રૂપિયા ૨.૬૭ લાખની કિંમતનો વિદેશી દારૂ
અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ
અંગે દારૂનો જથ્થો લાવનાર પુખરાજ બિશ્નોઇ
(રહે. જીં. સાંચોર) અને દારૂ મંગાવનાર રાજેન્દ્રસિંહ ચાવડા (રહે. નારાયણનગર, ખોખરા,
મણિનગર)ને ઝડપી લીધા હતા. આરોપી અગાઇઉ પણ કારમાં દારૂનો જથ્થો
લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
અન્ય બનાવમાં પીસીબીની પીઆઇ એમ સી ચૌધરી અને
તેમના સ્ટાફે બાતમીને આધારે રાણીપ સાકેત એપાર્ટમેન્ટ પાસેથી એક શંકાસ્પદ કારને
રોકવા માટે ઇશારો કર્યો હતો. જો કે પોલીસને જોઇને કારચાલકે કારને ઉભી ન રાખતા
પોલીસે પીછો કર્યો હતો. આ દરમિયાન તે કાર મુકીને નાસી ગયો હતો. તપાસ કારમાંથી ૬૭૦
બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂનો જથ્થો વાડજ સૌરાબજી કંપાઉન્ડમાં
રહેતો કરણ તેલાણી નામનો બુટલેગર લાવ્યો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.જ્યારે ક્રાઇમબ્રાંચના
પીઆઇ પી કે ગોહિલે તેમના સ્ટાફ
સાથે અમદાવાદ-ઝાલોદ હાઇવે પર સિંગરવા ગામ પાસે બાતમીને આધારે કારને રોકીને
તેમાં ૯૦૦ લિટર જેટલો દેશી દારૂનો માતબર જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે
પાર્થ સોંલકી (રહે. હેમાંગી એપાર્ટમેન્ટ,આઇઓસી રોડ, ચાંદખેડા) અને મોહિત ઠાકોર (રહે.આશ્રય સોસાયટી, ચાંદખેડા)ને
ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ
જથ્થો સૈજપુરમાં રહેતા વિશાલ સિંધી નામના
બુટલેગરને આપવાનો હતો અને ખેડાના કઠલાલથી પિન્ટુ નામના બુટલેગરે સપ્લાય કર્યો હતો.
આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.