યુવાનને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો
ધોરાજીના પીઆઈ રવિ ગોધમે કહ્યું, આ પ્રકારની બાબતોનો હું જવાબ નહીં આપી શકું
જેતપુર: ધોરાજીમાં રહેતા પંકજ ચૌધરી નામના યુવાને ગઈકાલે ફિનાઈલ પી લીધા બાદ ધોરાજીના પીઆઈ રવિ ગોધમે ખોટા ગુનામાં ફિટ કરવાની ધમકી આપી, રૂા.પ લાખની માગણી કરતાં કંટાળીને આ પગલું ભરી લીધાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.
ગઈકાલે પંકજ જાહેરમાં ફિનાઈલ પી લીધું હતું. જેનો તેણે વીડિયો પણ બનાવ્યો હતો. તેણે એવા આક્ષેપો કર્યા હતા કે ગઈ તા.ર૭નાં રોજ ઉર્ષના મેળામાં માથાકૂટ થતાં તેને ઈજાઓ થઈ હતી. જેથી તેણે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના અનુસંધાને ગઈકાલે પોલીસ મથકે જતાં ભીનુ સંકેલવાની કોશિષ થયાનું લાગ્યું હતું. આ બાબતે પીઆઈને મળતાં રૂા.પ લાખની માગણી કરી હતી. અન્યથા તેના મિત્રની જેમ નાર્કોટીકસના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.
જે અંગે ઉચ્ચ કક્ષાએ અને એસીબીમાં રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં ફિનાઈલ પી લીધાનું જણાવ્યું હતું. આ બાબતે પીઆઈ રવિ ગોધમનો સંપર્ક કરતા જણાવ્યું કે હું આ કોઈપણ પ્રકારની બાબતોનો જવાબ આપી નહીં શકું, ડીવાયએસપીનો સંપર્ક કરો. જેથી ડીવાયએસપી રોહિત ડોડીયાનો સંપર્ક કરતાં આ મામલે અજાણ હોવાનું જણાવ્યું હતું.
ફિનાઈલ પી લીધા બાદ પંકજને પ્રથમ ધોરાજી બાદમાં જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.